લંડનઃ બ્રિટિશ તામિલ લીગની એક મેચ દરમિયાન ૨૪ વર્ષીય ક્રિકેટરનું છાતીમાં બોલ વાગવાથી નિધન થયું હતું. રવિવારે રમાયેલી આ મેચમાં તામિલ મૂળનો બવલાન પદ્મનાથન્ મનિપય પેરિશ સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમતો હતો.
બ્રિટિશ તામિલ લીગની મેચમાં પદ્મનાથન્ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની છાતીમાં બોલ વાગતાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ ઇજા ગંભીર હોવાના કારણે તેનું નિધન થયું હતું.
સાઉથ ઇસ્ટ કોસ્ટ એમ્બ્યુલન્સના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, સાંજે સાત વાગ્યાના સુમારે ફોન કરીને અમને મેદાન પર બોલાવાયા હતા. પદ્મનાથનની હાલત નાજુક હોવાથી એમ્બ્યુલન્સ તેને કિંગ્સટન હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા.
પદ્મનાથનની સાથે બેટિંગ કરી રહેલા તેના સાથીદારે કહ્યું કે, જ્યારે પદ્મનાથનને બોલ વાગ્યો ત્યારે મેં તેને પૂછ્યું હતું ત્યારે તેણે સારું હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે બે ડગલાં પાછળ ચાલ્યા બાદ નીચે ફસડાઈ પડયો હતો. આથી તરત જ તેને સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.