શ્રીનગરઃ ‘મને વિશ્વાસ ન હતો કે એક દિવસ મારા પગ મને ઓળખ આપશે’ આ વિશ્વાસ જમ્મુ-કાશ્મીરની પેરા એથ્લીટ શીતલ દેવીનો છે. શીતલે તાજેતરમાં એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. 16 વર્ષીય તીરંદાજ ફોકોમેલિયાથી પીડિત છે. આ એક દુર્લભ જન્મજાત બીમારી છે, જે અંગોના વિકાસને અટકાવે છે.
એશિયન પેરા ગેમ્સ 2023ની એક સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતનારી શીતલ પ્રથમ ભારતીય યુવતી છે. જોકે શીતલ માટે આ સરળ રસ્તો નહોતો. તેના હાથ ન હોવાને કારણે તે હંમેશા અસુરક્ષિત અનુભવતી હતી. શીતલ જણાવે છે કે જ્યારે તે પહેલી વાર સ્કૂલે ગઈ હતી ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગ્યું હતું જ્યારે લોકોએ તેની સામે જોયું અને સહાનુભૂતિ દર્શાવી. તે બધાથી અલગ પડતી હોવાથી તેને પોતાની જાત પર નફરત થવા લાગી હતી. જોકે સમય સાથે તેનો ખુદની જાત પ્રત્યનો અભિગમ બદલાયો. પોતાની શારીરિક અક્ષમતા સામે લડી લેવાના તેના દૃઢ નિર્ધારનું પરિણામ ગોલ્ડ મેડલ સ્વરૂપે આપણને જોવા મળે છે.
જમ્મુના કિશ્તવાડ જિલ્લાના લોઈધર વિસ્તારમાં રહેતી શીતલ એક ખેડૂત પરિવારની દીકરી છે અને તેની માતા ગૃહિણી છે. તેને એક બહેન અને એક ભાઈ પણ છે. શીતલના પિતા માનસિંહનું કહેવું છે કે 2021માં શીતલે કિશ્તવાડમાં ભારતીય સેનાની યુવા સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૈન્યની મદદથી તે શીતલને બેંગલૂરુ લઈ ગયા જ્યાં તેની મુલાકાત પ્રીતિ નામની એક મહિલા સાથે થઈ જેમણે તેને રમતગમતનો પરિચય કરાવ્યો હતો.
લખવા, જમવા પગનો જ સહારો
શીતલ પગ વડે જમતી, લખતી, રમતી અને ટાઈપ કરતી. સામાન્ય વ્યક્તિ જે કંઈ હાથ વડે કરે છે, તે તેના પગનો ઉપયોગ કરતી હતી. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેના પગ એક દિવસ તેને ગોલ્ડ મેડલ જીતાડશે.