જમૈકાઃ કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં બે વિકેટે ૨૦૬ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો. મેન ઓફ ધ મેચ કોહલીએ ૧૧૫ બોલમાં અણનમ ૧૧૧ રન કર્યા હતા. ઓપનર અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ અપાયો હતો. ભારતે આ સાથે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર વન-ડેમાં શ્રેણીવિજયની હેટ્રિક નોંધાવી હતી. ભારતે અગાઉ ૨૦૦૯માં ૨-૧થી તથા ૨૦૧૧માં ૩-૨થી શ્રેણી જીતી હતી.
કાર્તિકની આઠમી ફિફ્ટી
કિંગસ્ટન વન-ડેમાં કાર્તિકે બાવન બોલમાં અણનમ ૫૦ રન કર્યા હતા. આ તેની કારકિર્દીની આઠમી તથા વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી અડધી સદી હતી. રસપ્રદ બાબત એ છે કે કાર્તિકની તમામ અડધી સદી વખતે ભારતે વિજય હાંસલ કર્યો છે.
૨૩મો મેન ઓફ ધ મેચ
કોહલીએ કિંગસ્ટનમાં વન-ડે કારકિર્દીનો ૨૩મો મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો હતો. ભારત માટે સર્વાધિક ૬૨ મેન ઓફ ધ મેચ એવોર્ડ સચિન તેંડુલકરના નામે છે.