રિયો ડી’ જાનેરોઃ જમૈકન સ્પ્રિન્ટર યુસૈન બોલ્ટે ઓલિમ્પિકના ઇતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેરીને ૨૦૦ મીટર રેસમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાનો વિક્રમ સર્જ્યો છે. બોલ્ટ રિયો ઓલિમ્પિક સહિત સતત ત્રણ ઓલિમ્પિકની ૧૦૦ અને ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વનો પ્રથમ એથ્લિટ બન્યો છે. બોલ્ટે રેસ ૧૯.૭૮ સેકન્ડમાં પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં તેનો સૌથી શાનદાર સમય છે.
કેનેડાના આન્દ્રે દ’ ગ્રાસે ૨૦.૦૨ સેકન્ડ સાથે સિલ્વર મેડલ અને યુરોપિયન ચેમ્પિયન ફ્રાન્સના ક્રિસ્ટોફર લેમેટ્રેએ ૨૦.૧૨ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વ્યક્તિગત ઇવેન્ટમાં તેનો છેલ્લો ગોલ્ડ મેડલ હતો. વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ સ્પ્રિન્ટર બોલ્ટનો આ આઠમો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હતો.
રિયો ઓલિમ્પિકમાં એથ્લીટ યુસૈન બોલ્ટનો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. બોલ્ટના ૨૦ સેકન્ડના રોમાંચને નિહાળવા માટે ૬૦ હજાર સમર્થકો હજારો રૂપિયાની ટિકિટ લઈને મારાકાના સ્ટેડિયમ પહોંચી ગયા હતા. બોલ્ટનો વિજય થયો કે ગણતરીની સેકન્ડમાં તેના ફેન્સ સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા. તેઓ માત્ર બોલ્ટની રેસ જોવા માટે આવ્યા હતા. સ્ટેડિયમમાં રહેલા પ્રેક્ષકોમાં બોલ્ટનો ક્રેઝ આસમાને હતો. બોલ્ટે જેવી સ્ટેડિયમમાં એન્ટ્રી કરી કે તેના ફેન્સ ભાવવિભોર બન્યા હતા અને તેમણે ઊભા થઈને એક સૂરમાં બોલ્ટનું અભિવાદન કર્યું હતું.