લંડનઃ દારૂ પીને જાહેરમાં મારામારી કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હોવા છતાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ નીતિમત્તા નેવે મૂકીને બેન સ્ટોક્સને એશિઝ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે સામેલ કર્યો હતો. જોકે હવે સ્ટોક્સનો બ્રિસ્ટલમાં નાઈટ કલબ બહાર મારામારી કરતો વીડિયો જાહેર થતાં ક્રિકેટ બોર્ડને તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત એશિઝ શ્રેણીમાં તેનું સ્થાન પણ જોખમાયું છે.
અગાઉ રમતગમતપ્રેમીઓ માનતા હતા કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દારૂ પીને જાહેરમાં મારામારી કરનાર બેન સ્ટોક્સને એશિઝ ટીમમાં નહિ સમાવે, પણ ઈસીબીએ તેને ટીમમાં સમાવવાની સાથે વાઈસ કેપ્ટન તરીકે પણ ચાલુ રાખ્યો હતો. બ્રિસ્ટલ શહેરમાં આવેલી એક નાઈટ કલબની બહાર સ્ટોક્સને અન્ય કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જે પછી તેણે ગુસ્સામાં આવીને તે વ્યક્તિના ચહેરા પર મુક્કો લગાવ્યો હતો.
આ ઘટના બની ત્યારે ઈંગ્લેન્ડનો ક્રિકેટર હેલ્સ પણ સ્ટોક્સની સાથે હતો. પોલીસે સ્ટોક્સની ધરપકડ તો કરી હતી, પણ ત્યાર બાદ તેને તપાસમાં સહકાર આપશે તે શરતે મુક્ત કર્યો હતો. આ દરમિયાન બેન સ્ટોક્સ મારામારી કરતો હોય તેવા સીસીટીવી વીડિયો ફૂટેજ જાહેર થતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે હવે તેની સામે શિસ્તભંગના પગલા લેવાની શરૂઆત કરી છે. ઈસીબીએ જાહેરાત કરી છે કે, સ્ટોક્સ અને હેલ્સને હવે બીજી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી ઈંગ્લેન્ડની કોઈ પણ મેચમાં સમાવવામાં આવશે નહિ.