હૈદરાબાદ: આઈપીએલ 2025ની બીજી મેચમાં હૈદરાબાદે રાજસ્થાન સામે ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 286 રન બનાવ્યા હતા. જે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર રહ્યો. આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ રાજસ્થાનના બોલર્સને ચારેબાજુ ફટકાર્યા હતા. તેમાંય સૌથી વધારે રન જોફ્રા આર્ચરે આપ્યા હતા. આ મેચમાં જોફ્રાએ એટલા બધા રન આપી દીધા કે તે આઈપીએલની એક મેચમાં સૌથી વધુ રન આપનાર બોલરના લિસ્ટમાં પહેલા નંબરે પહોંચી ગયો. જોફ્રા આર્ચરે હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 76 રન આપ્યા અને તેને એક પણ વિકેટ ન મળી. એક જ મેચમાં 76 રન આપી દેતાં તે આ લીગની એક મેચમાં સૌથી વધુ રન આપનાર બોલરોના લિસ્ટમાં પ્રથમ ક્રમે આવી ગયો અને મોહિત શર્માને પછીના ક્રમે લાવી દીધો. મોહિતે 2024માં દિલ્હી સામે રમાયેલી મેચમાં પોતાની 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા હતા.