જોહાનિસબર્ગઃ સેન્ચુરિયનમાં ઐતિહાસિક જીત મેળવીને શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાએ જોહાનિસબર્ગમાં મેચ ગુમાવીને શ્રેણી જીતવાની મોટી તક ગુમાવી દીધી છે. જોહાનિસબર્ગ ટેસ્ટમાં યજમાન સાઉથ આફ્રિકાએ શાનદાર રમત બતાવતા ભારતીય ટીમને ૭ વિકેટે હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાની આ જીત સાથે શ્રેણી ૧-૧ની બરાબરી પર છે. આમ હવે કેપટાઉનમાં રમાનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં શ્રેણીના વિજેતાનો નિર્ણય થશે. સાઉથ આફ્રિકાની જીતમાં કેપ્ટન ડીન એલ્ગરે મોટો ફાળો આપ્યો હતો. તેના ઉપરાંત રેસી વેન ડેર ડ્યુસે પણ શાનદાર ઇનિંગ રમી હતી. એલ્ગરે અણનમ ૯૬ રન બનાવ્યા હતા જ્યારે ડ્યુસે મહત્ત્વપૂર્ણ ૪૦ રન કર્યા હતા.
બે સેશન વરસાદમાં ધોવાયા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે દિવસની શરૂઆતથી જ વરસાદનું વિઘ્ન નડતાં મેચનો આરંભ ટી બ્રેકના થોડા સમય બાદ જ થઈ શક્યો હતો. આમ બે સેશન વરસાદમાં ધોવાયા હતા.
જોહાનિસબર્ગમાં ભારતની પહેલી હાર
સાઉથ આફ્રિકા સામે પરાજયની સાથે જ જોહાનિસબર્ગમાં ટેસ્ટ મેચમાં પરાજિત નહીં થવાનો ભારતનો શિરસ્તો પણ તૂટ્યો છે. ભારતીય ટીમ આ મેદાન પર છ મેચ રમી છે જેમાં તેને આજે પહેલીવાર પરાજયનો સ્વાદ ચાખવા મળ્યો છે. અહીં ભારત બે મેચ જીત્યું છે તો ત્રણ મેચ ડ્રો ગઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો આ મેદાન પરનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે.