ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચ શ્રેણી રમવા વેસ્ટ ઇંડિઝના પ્રવાસે ગઇ હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે યજમાન વેસ્ટ ઇંડિઝને હરાવ્યું હતું જ્યારે એક ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. તે સમયે ક્રિકેટજગત પર વેસ્ટ ઇંડિઝનું એકચક્રી શાસન કહી શકાય તેવો દબદબો હતો. ભારતીય ટીમ સામે ઘરઆંગણે પરાજયથી ગિન્નાયેલા કેરેબિયન ક્રિકેટરો કોઇ પણ ભોગે જમૈકા ટેસ્ટ જીતવાના ઇરાદે મેદાનમાં ઉતર્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડે ચારેય ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગ, વોયન ડેનિયલ, બર્નાર્ડ જુલિયન અને વેનબર્ન હોલ્ડરને ભારતીય બેટ્સમેનો પર બીમર અને બાઉન્સરનું આક્રમણ કરવા આદેશ આપ્યો. બાઉન્સર ફેંકવાનો સિલસિલો હોલ્ડિંગે શરૂ કર્યો. તે અંશુમાન ગાયકવાડ પર દરેક ઓવરમાં ત્રણ બાઉન્સર ફેંકી રહ્યો હતો તો હોલ્ડર પ્રત્યેક ઓવરમાં સુનીલ ગાવસ્કર પર ચાર બાઉન્સર અને એક બીમર ફેંકતો હતો.
દર્શકોની ચિચિયારી
જમૈકા ટેસ્ટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમેલા સૈયદ કિરમાણીને આજે પણ તે દિવસ યાદ છે. તે કહે છે કે દરેક બાઉન્સરની સાથે દર્શકો ચિચિયારી પાડી રહ્યા હતા... 'એને મારી નાખો, હિટ હિમ... તેના માથામાં મારો...' જ્યારે પણ બેટ્સમેનને બોલ વાગતો ત્યારે દર્શકો બિયરના કેન સાથે ઊછાળતા, ખુશી મનાવતા અને ચિચિયારીઓથી વાતાવરણ ગજાવી મૂકતા હતા.
વેસ્ટ ઇન્ડિઝનો કેર
એક પછી એક બોલર રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીને ગાયકવાડના ખભા અને છાતી પર અનેક બોલ મારી ચૂક્યા હતા. પીચ પર ટકી રહેવાની મથામણ દરમિયાન ગાયકવાડને કાન પાસે જ બોલ વાગ્યો. તે લોહીલુહાણ થઈને વિકેટ પર પટકાઈ પડતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ પછી જુલિયનના એક બોલ પર વિશ્વનાથની આંગળી તૂટી ગઈ. ત્યાર બાદ બ્રિજેશ પટેલને હોલ્ડરનો એક બાઉન્સર સીધો જ મોઢા પર વાગ્યો હતો.
આ મેચમાં ભારતે પહેલી ઇનિંગ્સમાં છ વિકેટ ગુમાવી, જ્યારે બીજી ઇનિંગ્સમાં ફક્ત પાંચ વિકેટ. આમ છતાં ભારત એ ટેસ્ટ મેચ ૧૦ વિકેટથી હારી હારી ગયું હતું, કારણ કે પીચ ભારતીય ખેલાડીઓના લોહીથી ખરડાઇ ચૂકી હતી.
બીજી ઇનિંગ્સમાં તો હાલત એવી ખરાબ હતી કે અંશુમાન ગાયકવાડ, ગુંડપ્પા વિશ્વનાથ અને બ્રિજેશ પટેલ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા જ નહોતા. જ્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે ૯૭ રન હતો ત્યારે કેપ્ટન બિશન સિંહ બેદી ન તો ખુદ મેદાનમાં ઊતર્યો કે ન તેણે ચંદ્રશેખરને બેટિંગ કરવા મોકલ્યો.
ફાસ્ટ વિકેટ
એ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર મદન લાલ પણ રમ્યો હતો, જે પોતાની કરિયરમાં પહેલી અને છેલ્લી વાર નંબર ચાર પર બેટિંગ કરવા ઊતર્યો હતો. મદનલાલ તે દિવસને યાદ કરતા કહે છે, 'ત્યારે ડ્રેસિંગ રૂમમાં ડર છવાયેલો હતો. વિકેટ પણ બહુ જ ફાસ્ટ હતી. ભારતને હચમચાવી નાખવા માટે જ કદાચ આ જ હથિયાર તેઓ પાસે હતું. એ સમયે ક્રિકેટમાં હેલ્મેટ નહોતી. એ ટેસ્ટમાં મોહિન્દર અમરનાથ અને દિલીપ વેંગસરકરે પણ ઘણા બાઉન્સર પોતાના શરીર પર ઝીલ્યા હતા. એ સમયે વેસ્ટ ઇન્ડિઝે ફાસ્ટ બોલિંગના જોરે જ ક્રિકેટ વિશ્વ પર ૧૯ વર્ષ એકચક્રી શાસન કર્યું હતું.’