મુંબઈઃ આઇપીએલમાં ઝંઝાવાતી બોલિંગ કરીને સહુ કોઇનું ધ્યાન ખેંચનાર જમ્મુ-કાશ્મીરના યુવા પેસ બોલર ઉમરાન મલિકને ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમ ઇંડિયામાં સામેલ કરવા ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સુચન કર્યું છે. 22 વર્ષીય ઉમરાને તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 25 રનમાં પાંચ વિકેટ હાંસલ કરી હતી. જોકે રાશિદ ખાને છેલ્લી ઓવરમાં ત્રણ છગ્ગા મારીને ગુજરાતને જીતાડી દેતાં ઉમરાનના પ્રદર્શન ઉપર પાણી ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઉમરાને આઇપીએલમાં નિયમિત રીતે 150 કિલોમીટર પ્રતિ કલાક કે તેનાથી વધારે ઝડપે બોલિંગ કરી છે અને આઠ મેચમાં અત્યાર સુધીમાં 15.43ની સરેરાશથી 15 વિકેટ ઝડપી છે. ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ જૂનમાં શરૂ થશે અને બન્ને ટીમો સૌથી પહેલાં કોરોનાના કારણે રદ કરાયેલી માન્ચેસ્ટર ટેસ્ટ (પાંચમી) રમશે. ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે.