લંડનઃ ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી મેચના કેટલાક વીડિયો વાઇરલ થયા છે. જેના એક વીડિયોમાં એડમ ઝમ્પા પોતાના ખિસ્સામાંથી કશુંક કાઢીને બોલ ઉપર ઘસતો જોવા મળે છે. ઝમ્પાએ ડાબા હાથમાં બોલ પકડી રાખ્યો હતો જ્યારે જમણો હાથ ખિસ્સામાં નાખીને બહાર કાઢી બોલ ઉપર ઘસતો હતો. તેણે બેથી ત્રણ વખત આવું કર્યું હતું. ઝમ્પાના આ વીડિયોથી સેન્ડ પેપર કાંડની યાદ તાજી થઇ હતી. ક્રિકેટ સમર્થકોનું માનવું છે કે એક વર્ષ પહેલાં કેમરન બેનક્રોફ્ટે જે રીતે સેન્ડ પેપરનો ઉપયોગ કર્યો હતો તે જ રીતે ઝમ્પાએ તેનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે આફ્રિકા સામેની ટેસ્ટમાં બેનક્રોફ્ટ, વોર્નર તથા સ્મિથે બોલ ટેમ્પરિંગ કર્યું હતું.
ભારત સામેની મેચમાં ૨૭ વર્ષીય ઝમ્પાએ ૬ ઓવર બોલિંગ કરી હતી. જેમાં તેણે ૫૦ રન આપ્યા હતા, જોકે તેને એક પણ વિકેટ મળી નહોતી. મહત્ત્વની વાત એ છે કે, વર્લ્ડ કપની પહેલી બે મેચમાં ૪ વિકેટ લીધી હતી.