હરારેઃ ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ પૂર્વે જ ઝિમ્બાબ્વે ક્રિકેટે ટીમના કોચ ડેવ વોટમોર અને કેપ્ટન હેમિલ્ટન મસાકાડ્ઝાની હકાલપટ્ટી કરી છે. બોર્ડે સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મખાયા એન્ટનીને કોચ બનાવ્યો છે જ્યારે ટીમની કમાન ગ્રીમ ક્રેમનરને સોંપી છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા નિવેદનમાં જણાવાયું છે કે, આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટીમના ખરાબ પ્રદર્શનને ધ્યાને રાખીને આ પગલું ભરાયું છે. ઓસ્ટ્રેલિયન ડેવ વોટમોરને ગયા વર્ષે જ ચાર વર્ષના કરાર સાથે કોચ બનાવાયો હતો, પણ હવે તેનો કરાર તાત્કાલિક અસરથી રદ કરી દેવાયો છે. મસાકાડ્ઝાને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનપદેથી હટાવી દેવાયો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂઝનરને બે વર્ષ માટે બેટિંગ કોચ તરીકે નીમ્યો છે. ભારતીય ટીમ ૧૧મી જૂનથી ઝિમ્બાબ્વે સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમશે.