હરારેઃ ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત અત્યંત ખરાબ છે અને તેમના ક્રિકેટરોને સમયસર નાણાં ન ચૂકવાતા હોવાથી વારંવાર હડતાળની ધમકી ઉચ્ચારવી પડે છે. જોકે ઝિમ્બાબ્વેના બોર્ડની કંગાળ હાલતના કારણે તેમની મહેમાન બનેલી પાકિસ્તાનની ટીમ કફોડી હાલતમાં મુકાઈ હતી. ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડ પાસે હોટલનું ભાડું ચૂકવવાના નાણાં ન હોવાથી પાકિસ્તાનની ટીમને હરારેમાં જ ફરજીયાત રોકાણ કરવું પડયું હતું.
પાકિસ્તાને ગયા સપ્તાહે ઝિમ્બાબ્વેમાં રમાયેલા ટી૨૦ ત્રિકોણીય જંગની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મુકાબલા હરારેમાં રમાયા હતા. ત્રિકોણીય ટી૨૦ જંગ જીત્યા બાદ પાકિસ્તાનને યજમાન સામેની મેચ માટે હરારેથી નીકળીને બુલાવાયો જવાનું હતું. પાકિસ્તાનની ટીમ હોટલ છોડવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ ઝિમ્બાબ્વે બોર્ડે તેમને એકાદ-બે દિવસ ત્યાં જ રોકાઈ જવા જણાવ્યું હતું.
ઝિમ્બાબ્વેના બોર્ડે બુલાવાયોમાં જે હોટેલમાં પાકિસ્તાનની ટીમના રોકાણની વ્યવસ્થા કરી હતી, તેનું ભાડું ચૂકવાયું નહોતુ. આથી હોટેલના સત્તાધીશોએ સ્પષ્ટ કહી દીધું હતુ કે, ભાડું મળશે પછી જ અમે ક્રિકેટરોને હોટલમાં એન્ટ્રી આપીશું. આ કારણે પાકિસ્તાનને હરારેમાં ફરજીયાત રોકાણ કરવું પડયું હતુ. ઝિમ્બાબ્વેના બોર્ડની આર્થિક હાલત ખરાબ છે જેના કારણે તેમણે ઘરઆંગણાની ટુર્નામેન્ટ પણ સ્થગિત કરવી પડી છે.