ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર હરાવીને ટીમ ઇંડિયાએ 4-1થી ટી20 સિરીઝ જીતી

Thursday 18th July 2024 10:47 EDT
 
 

હરારેઃ શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે પાંચ ટી20 મેચની સીરિઝમાં 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. ભારત પહેલી મેચમાં 13 રને હાર્યું હતું જોકે, તે બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર પુનરાગમન કર્યું હતું, અને પછીની તમામ ચારેય મેચમાં ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર હરાવ્યું હતું.
યશસ્વી જયસ્વાલ અને અભિષેક શર્માની આક્રમક ઇનિંગ, રવિ બિશ્નોઈની ધારદાર સ્પિન બોલિંગ અને મુકેશ કુમારની ઝડપી બોલિંગના જોરે ટીમ ઇન્ડિયાએ સતત ચાર મેચમાં જીત મેળવીને સિરીઝનો સુખદ અંત કર્યો હતો. પાંચમી ટી-20 મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સંજૂ સેમસને 58 રન બનાવીને સ્કોર 167 સુધી પહોંચાડયો હતો. જવાબમાં રમવા ઉતરેલી યજમાન ટીમ 18.3 ઓવરમાં 124 રનમાં જ ખખડી ગઈ હતી અને તેણે 42 રને મેચ ગુમાવી હતી. ભારત વતી મુકેશ કુમારે 4 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની કેડ ભાંગી નાખી હતી. યશસ્વી જયસ્વાલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. તેણે રઝાના પહેલા બે બોલ પર બે સિકસર ફટકારી હતી. જોકે, યશસ્વી, અભિષેક શર્મા અને કેપ્ટન ગિલ પાવરપ્લેમાં જ આઉટ થયા હતા તે બાદ સેમસન અને પરાગે સ્કોરને આગળ વધાર્યો હતો. સેમસને 13મી ઓવરમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. તેણે 58 રન કર્યા હતા. શિવમ દુબેએ 12 બોલમાં 26 અને રિન્કુ સિંહે 11 રન કરીને સ્કોરને 167 સુધી પહોંચાડયો હતો. જવાબમાં રમવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત સારી નહોતી રહી અને તે નિયત અંતરે વિકેટો ગુમાવતા રહેતા તેનો પરાજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter