હરારેઃ સિરીઝની અંતિમ મેચ પહેલાં જ સિરીઝ જીતી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટથી હરાવીને ક્લિન સ્વિપ કર્યું છે. બુધવારે રમાયેલી આ મેચમાં ભારતીય બોલરો જસપ્રીત બુમરાહ અને ચહલના તરખાટ સામે ઝિમ્બાબ્વેની ટીમે ધીમી, પણ મક્કમ શરૂઆત કરી હતી. જોકે બાદમાં તેનો દાવ ૧૨૩ રનમાં જ સમેટાઇ ગયો હતો. આ પછી ભારતીય ટીમે રાહુલના અણનમ ૬૩ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ફૈઝ ફઝલના અણનમ ૫૫ રનની મદદથી એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૨૬ કરીને મેચ તથા સિરીઝ જીતી હતી. ત્રણ મેચોની સિરીઝમાં ઝિમ્બાબ્વેની ટીમ બેટિંગ, બોલિંગ કે ફિલ્ડીંગ એક પણ ક્ષેત્રે સારો દેખાવ કરી શકી નહોતી.
મેચ અને શ્રેણી જીતવાની સાથે જ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બે નવા રેકોર્ડ બનાવ્યા છે.આ પહેલાં જસપ્રીત બુમરાહની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ઝિમ્બાબ્વેને ૪૨.૨ ઓવરમાં ૧૨૩ રનમાં તંબુભેગી કરી દીધી હતી. ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટ તો ફક્ત ૧૧ બોલમાં ગુમાવી હતી. જેમાં ચાર વિકેટ સતત ચાર બોલમાં ગુમાવી હતી.
એક સમયે ઝિમ્બાબ્વેનો સ્કોર ૩૨.૪ ઓવરમાં ત્રણ વિકેટે પર ૧૦૪ રન હતો, પરંતુ સતત ચાર વિકેટ પડી જતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. ચાર રનના ઉમેરામાં જ વિકેટનો આંકડો ચારથી આઠ સુધી પહોંચી ગયો હતો. ઝિમ્બાબ્વેનો કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલર સામે ટકી શક્યો નહોતો. સિબાંદાએ ૩૮, મારુમાએ ૨૯ અને માદઝિવાએ ૨૬ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેનો સ્કોર એક સમયે બે વિકેટે ૮૯ રન હતો.
૩૫૦ શિકાર, ચોથો શ્રેષ્ઠ વિકેટકીપર
ભારતીય ટીમને સફળતાના શિખરે બેસાડનારા સૌથી સફળ કેપ્ટન ધોનીએ વિકેટકીપિંગમાં પણ નવો રેકોર્ડ કર્યો છે. ધોનીએ ૩૫૦ શિકાર પૂરવા કરતાની સાથે ચોથો સૌથી સફળ વિકેટકીપર બની ગયો છે. તે હવે કુમાર સંગાકારાના ૪૮૨, એડમ ગિલક્રિસ્ટના ૪૭૨ અને માર્ક બાઉચરના ૪૨૪ શિકારથી પાછળ છે.
સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ધોનીએ બીજો પણ એક રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં સૌથી વધુ વન-ડે મેચોમાં કેપ્ટનશિપ કરનારો ખેલાડી પણ બન્યો છે. ધોનીએ શ્રીલંકાના અર્જુન રણતુંગાનો રેકોર્ડ તોડ્યો છે. કેપ્ટન તરીકે મેદાન પર ઉતરતાની સાથે જ ધોની ૧૯૪મી મેચમાં કેપ્ટનશિપ કરનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો. અર્જુન રણતુંગાએ ૧૯૩ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ૧૦૭ મેચોમાં જીત મેળવી છે જ્યારે ૭૨માં પરાજય થયો છે. ૧૧ મેચો ડ્રો રહ્યા હતા.