સિડનીઃ ભારતીય ટીમ ટી-20 તો વર્લ્ડ કપ ફાઈનલ સુધી ના પહોંચી શકી, પરંતુ ભારતવંશી 13 વર્ષીય જાનકી ઈશ્વરનો સૂર ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ પહેલાં મેલબોર્ન સ્ટેડિયમમાં ગૂંજયો હતો. જાનકીએ મેલબોર્ન સ્ટેડિયમમાં હાજર 80 હજારથી વધુ દર્શકોની હાજરીમાં ઓસ્ટ્રેલિયન રોક બેન્ડ સાથે પરફોર્મ કર્યું હતું. જાનકીએ ઓસ્ટ્રેલિયન સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઈસ’માં હિસ્સો લીધો હતો અને તે શોની સૌથી નાની વયની કન્ટેસ્ટન્ટ બની હતી. શોમાં ભાગ લીધા બાદ, જાનકી તેના મંત્રમુગ્ધ કરનારા અવાજના કારણે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પોપ્યુલર બની હતી. જાનકીના માતા-પિતા છેલ્લા 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં વસે છે. ટી-20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાની સિદ્ધિ વિશે જાનકીએ કહ્યું હતું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેનાર હજારો દર્શકોની સાથે જ, ટેલિવિઝન અને ઓટીટીના માધ્યમથી કરોડો દર્શકો પણ મારું લાઈવ પરફોર્મન્સ નિહાળ્યું હતું. આટલા મોટા સ્ટેજ પર પરફોર્મ કરવાનો અવસર મારા કરિયર માટે ખૂબ મોટી વાત છે. મારા માટે મારી ટેલેન્ટ બતાવવાનો આ અનોખો મોકો હતો. જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હોત તો હું ઘણી ખુશ થઈ હોત.