ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ

Wednesday 09th November 2022 07:45 EST
 
 

મેલબોર્નઃ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વટભેર સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સૂર્યકુમાર યાદવની આક્રમક ઇનિંગની મદદથી પાંચ વિકેટ ગુમાવીને 186 રનનો જંગી જુમલો ખડક્યો હતો. જેના જવાબમાં રમવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમને 17.2 ઓવરમાં 115 રનના સ્કોર પર ઓલઆઉટ કરીને ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચોથી જીત મેળવીને સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ જીતની સાથે જ ટી-20 વર્લ્ડ કપ માટેની સેમિ-ફાઇનલની ચારેય ટીમો પણ નક્કી થઇ ગઇ છે અને નોકઆઉટ મેચોનું શિડયૂલ પણ સ્પષ્ટ થઇ ગયું છે. ગ્રૂપ-એમાંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો સેમિ-ફાઇનલમાં પ્રવેશી છે. જ્યારે બીજા ગ્રૂપથી ભારત અને પાકિસ્તાને સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને ગ્રૂપમાં પોઇન્ટ ટેબલ પર ટોચ પર રહેનારી ટીમો ગ્રૂપ-બીની બીજા નંબરની ટીમ સામે સેમિ-ફાઇનલ મુકાબલો રમશે.
આમ ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે જ્યારે પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. પહેલો સેમિ-ફાઇનલ મુકાબલો નવ નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિ-ફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવર ખાતે રમાશે. જેમાં ભારત ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઊતરશે. બંને સેમિ-ફાઇનલ વિજેતા ટીમો 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ મુકાબલો રમશે.
રોહિત શર્માના સુકાન હેઠળ ટીમ ઇન્ડિયાએ સુપર-12ના ગ્રૂપ-2માં ટોચનું સ્થાન મેળવ્યું છે. રવિવારે ગ્રૂપ રાઉન્ડની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 71 રને હરાવીને ભારતે ચોથી જીત મેળવી હતી. જેની સાથે તેના આઠ પોઇન્ટ થયા હતા. જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવતા તેના છ પોઇન્ટ થયા હતા અને તે બીજા સ્થાને રહી હતી.
ભારતની જીતના સંકેત...
ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો આ વખતે ચાર બાબતો સંકેત આપે છે કે ભારત વર્લ્ડ કપ જીતી શકે છે. 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે પરાજય હતો અને આ વખતે પણ ભારત એકલું દક્ષિણ આફ્રિકા સામે હાર્યું છે. 2011માં પણ આયર્લેન્ડે ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો અને આ વખતે પણ આયર્લેન્ડે ડકવર્થ લુઇસ સિસ્ટમ હેઠળ ઇંગ્લેન્ડને પરાજય આપ્યો છે. 2011માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો સેમિ-ફાઇનલમાં નહોતી પહોંચી શકી. આ વખતે તેવું પણ થયું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન તેમજ ન્યૂઝીલેન્ડ ત્રણેય ટીમો 2011ના વનડે વર્લ્ડ કપ બાદ 2022ના ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
ભારત ચોથી વાર સેમિ-ફાઇનલમાં
ભારતે ઓવરઓલ ચોથી વાર ટી-20 વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો તેણે છઠ્ઠી વાર સેમિ-ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. બંને ટીમોએ 15 વર્ષ બાદ અંતિમ-4માં સ્થાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ પહેલાં 2007માં બંને ટીમો અંતિમ-4માં આવી હતી. ટી-20 વર્લ્ડ કપની તે પહેલી સીઝન હતી અને તે વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી હતી.
ભારતીય ટીમને ખિતાબનો ઇન્તજાર
ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતને 15 વર્ષથી ખિતાબનો ઇન્તજાર છે. ભારત છેલ્લે 2007માં ખિતાબ જીત્યું હતું. સેમિ-ફાઇનલમાં તેને ઇંગ્લેન્ડ તરફથી જોરદાર લડત મળવાની આશા છે. ઇંગ્લેન્ડ 2010માં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ગઇ વખતે પણ તે સેમિફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter