ચેસ્ટરલીસ્ટ્રિટઃ માત્ર એક જ ટ્વેન્ટી૨૦ મેચ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝથી અહીં પહોંચેલા કેપ્ટન કાર્લોસ બ્રાથવેઇટે ફરીથી ઇંગ્લેન્ડ સામે મેચવિનિંગ પ્રદર્શન કરી પોતાની ટીમને વિજય અપાવ્યો છે. આ વખતે તેણે ઘાતક બોલિંગ વડે એકમાત્ર ટી-૨૦ મેચમાં પોતાની ટીમને ૨૧ રનથી વિજય અપાવ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડ ૧૯.૩ ઓવરમાં ૧૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની બોલિંગમાં સતત ચાર સિક્સર ફટકારીને વિન્ડીઝને ચેમ્પિયન બનાવનાર બ્રાથવેઇટ ફરીથી પોતાની ટીમ માટે મેચવિનર બન્યો હતો. તેણે ૩.૩ ઓવરમાં ૨૦ રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. ૧૫ રનમાં બે વિકેટ લેનાર સુનિલ નરૈન મેન ઓફ ધ મેચ થયો હતો.
વિન્ડીઝની ઇનિંગ્સમાં ક્રિસ ગેઇલ (૨૧ બોલમાં ૪૦) તથા ઇવિન લેવિસે (૫૧) પ્રથમ વિકેટ માટે ૩૩ બોલમાં ૭૭ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે આક્રમક શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડે ચાર રનના ગાળામાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને તેનો સ્કોર ચાર વિકેટે ૬૮ રનનો થયો હતો. જોસ બટલરે ૩૦ તથા બેરિસ્ટોએ ૨૭ રન બનાવવા ઉપરાંત ૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી.