મુંબઇઃ ભારતીય સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટીમમાં કમબેક કર્યું છે. શમીને ઈંગ્લેન્ડ વિરુદ્ધની 22 જાન્યુઆરીથી શરૂ થનારી 5 મેચની ટી20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મળ્યું છે. ઈજાને કારણે લાંબી રિહેબ પ્રક્રિયા બાદ શમીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કર્યું હતું. જોકે અમુક કારણોસર તેને ફિટનેસ ક્લિયરન્સ ના મળતા તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ સાથે જોડાયો નહોતો. મોહમ્મદ શમી છેલ્લે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રહેશે. સૂર્યકુમાર કેપ્ટન તરીકે યથાવત્ રહેશે. અક્ષરનું વાઈસ કેપ્ટન પદે પ્રમોશન થયું છે, એ પણ જ્યારે હાર્દિક પંડ્યા ટીમમાં સામેલ છે. અગાઉ હાર્દિકના વર્કલોડને કારણ ગણાવી તેના સ્થાને સૂર્યકુમારને કાયમી ટી20 કેપ્ટન બનાવાયો હતો. બીજી તરફ રિષભ પંતને ટી20 ટીમમાં સ્થાન મળ્યું નથી. તે જુલાઈ 2024 બાદથી ટી20 મેચ રમ્યો નથી. જુરેલ અને સેમસન કીપર-બેટરની ભૂમિકામાં રહેશે.
ટી20 સીરિઝનો કોલકાતાથી પ્રારંભ થશે. આ ઉપરાંત ચેન્નઈ, રાજકોટ, પૂણે અને મુંબઈમાં મુકાબલાઓ રમાશે. આ પછી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાતમાં મોડું થઈ શકે છે.
ટીમ ઇંડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (કીપર), અભિષેક શર્મા. તિલક વર્મા, હાર્દિક પંડયા, રિંકૂ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંઘ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, સુંદર, ધ્રુવ જુરેલ
ભારત-ઇંગ્લેન્ડ સીરિઝ ટાઇમટેબલ
મેચ - તારીખ - સ્થળ
પહેલી ટી20 - 22 જાન્યુઆરીનકોલકાતા
બીજી ટી20 - 25 જાન્યુઆરી - ચેન્નઇ
ત્રીજી ટી20 - 28 જાન્યુઆરી - રાજકોટ
ચોથી ટી20 - 31 જાન્યુઆરી - પૂણે
પાંચમી ટી20 - બીજી ફેબ્રુઆરી - મુંબઇ
પહેલી વનડે - 6 ફેબ્રુઆરી - નાગપુર
બીજી વનડે - 9 ફેબ્રુઆરી - કટક
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી - અમદાવાદ