ચેન્નઇ: ભારતના ૧૬ વર્ષના ટીનેજ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રાગનનંદાએ શતરંજની બાજીમાં મેજર અપસેટ સર્જીને દુનિયામાં મચાવી દીધી છે. ચેન્નઈના પ્રાગનનંદાએ સોમવારે સવારે ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા સેશનમાં દુનિયાના નંબર વન ચેસ માસ્ટર મેગ્નસ કાર્લસનને ૩૯મી ચાલમાં જ હરાવી દીધો હતો.
બ્લેક મહોરા સાથે રમી રહેલા પ્રાગનનંદાએ કાર્લસનની વિજયકૂચ રોકીને તેના વિજયયાત્રાને અટકાવી છે. કાર્લસન સતત ત્રણ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે, જ્યારે પ્રાગનનંદા ચાર મેચ હારી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફક્ત વિશ્વનાથન્ આનંદ અને પી. હરિકૃષ્ણ એ બે ભારતીય ચેસ ખેલાડી જ કાર્લસનને હરાવી શક્યા છે.
પ્રાગનનંદાની જીત પછી તેના પિતા રમેશ બાબુએ પણ અત્યંત ખુશી સાથે અખબારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મેચ પહેલાં રિલેક્સ થવા માટે પ્રાગીએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી વન-ડે મેચ જોઈ હતી. કાર્લસન વ્હાઈટ મહોરાથી રમતા હતા, જે સતત જીતતા હતા, જેથી બધા જ આ મેચના પરિણામ માટે આતુર હતા. જોકે, પ્રાગીમાં સતત ઝઝૂમવાની ક્ષમતા વધુ છે એ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે. મેચ જીત્યા પછી અમે બધા જ જોરદાર ઉજવણી કરવાના મૂડમાં હતા, પરંતુ અમે તેને સવાલ કરતા જ તેણે કહ્યું કે, ‘મને ઊંઘ આવે છે તેથી સૂવા જઈ રહ્યો છું.’
પ્રાગનનંદાની તૈયારી અંગે વાત કરતા રમેશ બાબુએ કહ્યું કે, થોડા મહિના પહેલાં પ્રાગનનંદા યોગ્ય રીતે રમી પણ નહોતો શકતો. અમે ચિંતિત હતા. સામાન્ય રીતે તે રમતને લઈને પરેશાન નથી થતો, પરંતુ આ વખતે તણાવમાં હતો. અમે મેચ પહેલાં કે ત્યાર પછી ચેસ વિશે વધુ વાત નથી કરતા. અમારા માટે તેનું સ્વાસ્થ્ય મહત્ત્વનું છે.
પ્રાગનનંદા વર્લ્ડ રેન્કિંગમાં ૧૨મા ક્રમે
ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગનનંદાના પોઈન્ટ આઠ થઈ ગયા છે. હવે તે સંયુક્ત રીતે ૧૨મા નંબરે છે. આ પહેલાં તેણે ફક્ત લેવ આરોનિયન વિરુદ્ધ જીત મેળવી હતી. આ ઉપરાંત પ્રાગનનંદાએ બે મેચ ડ્રો રમી હતી, જ્યારે ચારમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. થોડા મહિના પહેલાં નોર્વેના કાર્લસન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ હારનારા રશિયાના ઈયાન નેપોમનિયાચચી ૧૯ પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈયાન પછી ડિંગ લિરેન અને હેનસેન સંયુક્ત રીતે બીજા નંબરે છે. તે બંનેના ૧૫-૧૫ પોઈન્ટ છે. ફર્સ્ટ સ્ટેપમાં હજુ સાતમા દોરની મેચ રમવાની બાકી છે.