ટીમ ઇંડિયા શ્રીલંકાના પ્રવાસેઃ ૨૨ વર્ષ બાદ શ્રેણીવિજયનું લક્ષ્ય

Tuesday 04th August 2015 14:45 EDT
 
 

ચેન્નઈ, કોલંબોઃ શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારતીય ટીમ મંગળવારે કોલંબો પહોંચી છે. ભારતીય ટીમના પ્રસ્થાન અગાઉ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની પીચને જોતાં સફળતા મેળવવા માટે ટીમમાં ત્રણ સ્પિનરોને ટીમમાં સમાવવાનો સંકેત આપ્યો હતો. ટીમ ઇંડિયા શ્રીલંકાની ધરતી પર છેલ્લા ૨૨ વર્ષમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી નથી. આમ જો તે શ્રેણીવિજય મેળવશે તો ઇતિહાસ રચશે.
૧૨ ઓગસ્ટથી શરૂ થઇ રહેલી સીરિઝ અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, ટેસ્ટ મેચમાં જીત મેળવવા માટે મજબૂત બોલિંગ આક્રમણ સાથે મેદાને ઊતરવું જરૂરી હોય છે. ૨૦ વિકેટ ઝડપીને જીત મેળવવા માટે અમે પાંચ બાલરો સાથે મેદાને ઉતરીશું. આમાંથી ત્રણ સ્પિનરો હોય શકે છે. અમારું લક્ષ્ય ટેસ્ટમાં ૨૦ વિકેટ ઝડપવાનું છે. મારું માનવું છે કે, ટીમને સફળતા મેળવવી હોય તો પોતાના શ્રેષ્ઠ બોલરો સાથે મેદાને ઊતરવું પડશે. પાંચ બેટ્સમેનો સાથે મેદાને ઊતરવાનો મતલબ છે કે, ટોચના છ બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે બેટિંગ કરવી પડશે.’
ટીમમાં ત્રણ ઓપનર કે. એલ. રાહુલ, મુરલી વિજયની ફિટનેસ અંગે કોહલીએ કહ્યું કે, તેની ઈજા સામાન્ય છે અને પ્રથમ ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે. લોઅર ઓર્ડર અંગે કોહલીએ કહ્યું કે, આર. અશ્વિન, હરભજન સિંહ અને ભુવનેશ્વર કુમાર સારી બેટિંગ કરે છે. અશ્વિનની ટેસ્ટમાં એવરેજ ૪૦ની છે. તે જોતાં અશ્વિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે તેમ છે.
કોહલીના મતે, શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં પોતાની ખાસ રણનીતિને અજમાવવાની તક મળશે. બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચને કારણે આ રણનીતિ બનાવવાની તક નહોતી મળી. કેપ્ટન તરીકે મારા માટે આ પ્રથમ પૂર્ણ સિરીઝ છે જેને લઈ ઘણો રોમાંચક છું. અમે ટીમ તરીકે જે રણનીતિ અપનાવવા માગીએ છીએ તેને લાગુ કરવાની તક મળશે.
શ્રેણીવિજયનો ઇંતઝાર
ભારતીય ટીમ શ્રીલંકામાં છેલ્લે ૧૯૯૩માં મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશિપમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૧-૦થી જીતી હતી. આ પછી ભારતીય ટીમ પાંચ વખત શ્રીલંકાનો પ્રવાસ કરી ચૂકી છે, પરંતુ સિરીઝ જીતી શકી નથી. આ પાંચ સિરીઝ પૈકી ચાર સિરીઝમાં પરાજય થયો હતો જ્યારે ધોનીની કેપ્ટનશિપમાં ૨૦૧૦માં ભારત સિરીઝ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. હવે ભારતીય ક્રિકેટચાહકો કોહલીની કેપ્ટનશિપમાં ટીમ શ્રેણીવિજય મેળવે અપેક્ષા રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter