મીરપુરઃ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશની ધરતી પર રમાયેલા એશિયા કપનું ટાઇટલ છઠ્ઠી વખત જીતવા સાથે ઇતિહાસ રચ્યો છે. ઓપનર શિખર ધવનના ૪૪ બોલમાં ૬૦ અને વિરાટ કોહલીના ૨૮ બોલમાં અણનમ ૪૧ રનની મદદથી ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશે ૧૨૦ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૧૨૧ રનનું લક્ષ્યાંક ૧૩.૫ ઓવરમાં બે વિકેટના ભોગે હાંસલ કર્યું હતું. કેપ્ટન ધોનીએ માત્ર છ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૨૦ રન ઝૂડયા હતા. તેની વિજયી સિક્સર સાથે ભારત છ વર્ષ બાદ ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું.
વરસાદ અને વંટોળના વિઘ્નના કારણે એશિયા કપની ફાઇનલ મેચ ૨૦ના બદલે ૧૫-૧૫ ઓવરની રમાઇ હતી. બાંગ્લાદેશે પાંચ વિકેટે ૧૨૦ રન ફટકાર્યા હતા. જીતવા માટે ૧૨૧ રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી. અલ-અમીને રોહિત શર્માને માત્ર એક રનના વ્યક્તિગત સ્કોરમાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. જોકે ત્યાર બાદ મુશ્કેલ પીચ પર શિખર ધવન અને વિરાટ કોહલીએ યાદગાર બેટીંગ કરતાં ભારતને જીત તરફ દોરી ગયા હતા.
ધવને તેનો ટી૨૦નો શ્રેષ્ઠ સ્કોર કરતાં ૪૪ બોલમાં ૯ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૬૦ રન ફટકાર્યા હતા. ધવન અને કોહલીની જોડીએ ૧૧.૧ ઓવરમાં ૯૪ રનની ભાગીદારી કરતાં ટીમની જીતને આસાન બનાવી હતી. કોહલીએ ફરી એક વખત જવાબદારી સાથે બેટિંગ કરતાં ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૪૧ રન કર્યા હતા. ધવન છેવટ સુધી ટકી શક્યો નહોતો અને ૬૦ રને તસ્કીન અહમદનો શિકાર બન્યો હતો. આ પછી કેપ્ટન ધોની બેટિંગમાં ઉતર્યો હતો. તેણે અલ-અમીને નાંખેલી ઈનિંગની ૧૪મી ઓવરમાં વિજયી છગ્ગા સહિત બે સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
મીરપુરના શેરે-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની ફાઈનલ વરસાદને કારણે બે કલાક મોડી શરૂ થતાં ચાહકોમાં ચિંતા જોવા મળી હતી. ભારે વરસાદ અને તોફાનને કારણે સ્ટેડિયમનની મોટા ભાગની ફ્લડ લાઈટ્સ પણ બંધ થઈ ગઈ હતી. જોકે વરસાદ અટકતાં જ ૧૫-૧૫ ઓવરની મેચ રમાડવાનું નક્કી થયું હતું.
કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બાંગ્લાદેશને બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતના ફાસ્ટ બોલરોએ ફરી એક વખત શરૂઆતમાં જ હરીફ ટીમના ઓપનરોને સસ્તામાં આઉટ કર્યા હતા. નેહરાએ સૌમ્ય સરકાર (૧૪)ને અને બુમરાહે તમીમ (૧૩)ને પેવેલિયન ભેગા કર્યા હતા. બાંગ્લાદેશે માત્ર ૩૦ રનમાં બન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. જોકે, ત્યાર બાદ શબ્બીર રહમાન અને શાકીબે ૨૭ બોલમાં ૩૪ રન ફટકારતાં ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો.
શાકિબ ૧૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૧ રને અશ્વિનનો શિકાર બન્યો હતો. આ પછી ઈનિંગની ૧૨મી ઓવરમાં જાડેજાની બોલિંગમાં રહીમ (૪) રનઆઉટ થયો હતો. જે પછીના બોલે જાડેજાએ મોર્તઝાને (૦) કોહલીના હાથે કેચઆઉટ કરાવતા બાંગ્લાદેશે ૭૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
બાંગ્લાદેશનો સ્કોર ૧૨ ઓવરના અંતે પાંચ વિકેટે ૭૮ રન થતાં તેઓ માંડ ૧૦૦ રન કરી શકશે તેમ મનાતું હતું. જોકે આ પછી નેહરાની ઓવરમાં બાંગ્લાદેશે ૧૪ રન લીધા હતા. ઈનિંગની ૧૪મી ઓવરમાં હાર્દિક પંડયાની બોલિંગમાં મહમુદુલ્લાહે બે છગ્ગા સહિત કુલ ૨૧ રન ફટકારતાં બાંગ્લાદેશ સ્પર્ધાત્મક સ્કોર તરફ આગળ વધ્યું હતું. બુમરાહે નાંખેલી આખરી ઓવરમાં બાંગ્લાદેશે સાત રન લેતાં તેમનો સ્કોર પાંચ વિકેટ ૧૨૦ રન થયો હતો.
મહમુદુલ્લાહે ૧૩ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૩૩ તેમજ શબ્બીર રહમાને ૨૯ બોલમાં અણનમ ૩૨ રન ફટકાર્યા હતા, જેમાં બે ચોગ્ગા સામેલ હતા. જસપ્રીત બુમરાહે ત્રણ ઓવરમાં માત્ર ૧૩ રનમાં ૧ વિકેટ ઝડપી હતી. અશ્વિનને ૧૪ રનમાં ૧ વિકેટ મળી હતી.
ભારતના છ માઇલ સ્ટોન
• ૧૯૮૪માં શ્રીલંકાને પાંચ વિકેટે હરાવી ટાઇટલ જીત્યું
• ૧૯૮૮માં શ્રીલંકાને છ વિકેટે હાર આપી ટાઇટલ જીત્યું
• ૧૯૯૦માં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો
• ૧૯૯૫માં શ્રીલંકાને આઠ વિકેટે હરાવી ટાઇટલ જીત્યું.
• ૨૦૧૦માં શ્રીલંકાને ૮૧ રને જીત મેળવી ટાઇટલ જીત્યું
• ૨૦૧૬માં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવી ટાઇટલ જીત્યું
મેચની સાથે સાથે
• ભારતે નેગી, હરભજન અને ભુવનેશ્વરના સ્થાને અશ્વિન, જાડેજા અને આશિષ નહેરાને ટીમમાં સમાવ્યા હતા.
• બાંગ્લાદેશે બે પરિવર્તન કરતાં અરાફાત સની અને મોહમ્મદ મિથુનના સ્થાને ઓલરાઉન્ડર નાસિર હુસેન અને ઝડપી બોલર અબુ હૈદરને સામેલ કર્યા હતા.
• વરસાદના કારણે મેચ બે કલાક મોડી શરૂ થઈ
• મુશ્ફિકૂર રહીમે કારકિર્દીની ૫૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને બાંગ્લાદેશ તરફથી સિદ્ધિ મેળવનાર આ પ્રથમ બેટ્સમેન છે.
• બાંગ્લાદેશે અંતિમ ૪ ઓવરમાં ૫૯ રન ઝૂડ્યા હતા.
• ધવને ૬૦ રન કર્યા હતા, જે તેનો ટી૨૦ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલાં ધવનનો સૌથી વધુ સ્કોર ૫૧ રન હતો.
• ભારતે આ મેચ જીતવાની સાથે સતત સાત ટી૨૦ મેચ જીતવાના રેકોર્ડની બરાબર કરી છે.