ટીમ ઇંડિયાએ ઓવલમાં ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું

Monday 10th June 2019 12:36 EDT
 
 

લંડન ૯ઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલો દાવ લઈને ઓસ્ટ્રેલિયાને વિજય માટે ૩૫૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથની અડધી સદી છતાં ઓસ્ટ્રેલિયન ટીમ ૩૧૬ રન જ નોંધાવી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને બુમરાહે ૩-૩ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના કાંગરા ખેરવી નાખ્યા હતા. મેન ઓફ ધ મેચ ધવનની સદી ઉપરાંત કોહલીએ ૮૨ તથા રોહિત શર્માએ ૫૭ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ભારતે આમ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સતત ૮ જીતના વિજયરથને રોક્યો છે. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની સતત ૧૦ વિજયની સફર તેમજ વર્લ્ડ કપ ઇતિહાસમાં સતત ૧૯ મેચથી રનચેઝ કરીને વિજય મેળવતાં ઓસ્ટ્રેલિયાની આગેકૂચ અટકાવી છે. ૧૯૯૯માં ઓવલ ખાતે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. હવે ૨૦૧૯માં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે.

હાર્દિક વર્લ્ડ કપની અડધી સદી ચૂક્યો

હાર્દિક પંડયાએ ૨૭ બોલમાં ધમાકેદાર ૪૮ રન કર્યા હતા. તે માત્ર બે રન માટે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ અડધી સદી ચૂક્યો હતો. તેણે ચાર બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર ફટકારી હતી. કમિન્સની બોલિંગમાં તે કવર ઉપર એરોન ફિન્ચના હાથે કેચઆઉટ થયો હતો. બીજી તરફ કેપ્ટન કોહલીએ વન-ડેમાં ૫૦મી તથા વર્લ્ડ કપમાં બીજી અડધી સદી નોંધાવી હતી. તેણે ૭૭ બોલમાં ૮૨ રન કર્યા હતા. ધોનીએ ૧૪ બોલમાં ૨૭ તથા લોકેશ રાહુલે ત્રણ બોલમાં ૧૧ રન ફટકાર્યા હતા.

રોહિત-ધવનની બીજી શ્રેષ્ઠ ભાગીદારી

રોહિતે આઉટ થતા પહેલાં સાથી ઓપનર ધવન સાથે પ્રથમ વિકેટ માટે ૧૨૭ રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે આ પ્રથમ વિકેટ માટે બીજા ક્રમાંકની હાઇએસ્ટ ભાગીદારી છે. પ્રથમ નંબરે આફ્રિકાના ગ્રીમ સ્મિથ તથા એબી ડીવિલિયર્સ છે. બંનેએ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વિકેટ માટે ૧૬૦ રનની ભાગીદારી કરી હતી.

ભારત પહેલાં ક્રમે, ઓસીઝ બીજા ક્રમે

વન-ડેમાં ધવને ૧૭મી સદી ફટકારી તે સાથે જ વર્લ્ડ કપમાં ભારતની કુલ સદીની સંખ્યા ૨૭ની થઇ છે. તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક સદી નોંધાવનાર ટીમ બની છે. ઓસ્ટ્રેલિયા ૨૬ સદી સાથે બીજા ક્રમે છે. શ્રીલંકા ૨૩ સદી સાથે ત્રીજા તથા વેસ્ટ ઇન્ડીઝ (૧૭) ચોથા ક્રમે છે. ન્યૂઝિલેન્ડ તરફથી વર્લ્ડ કપમાં કુલ ૧૫ સદી નોંધાઇ છે.

ઓવલમાં ધવનનું પ્રદર્શન

શિખર ધવને ઓવલ ગ્રાઉન્ડમાં કુલ પાંચ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ ઉપરાંત પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે પણ આ મેદાન ઉપર એક-એક મેચ રમી છે. આ પાંચ મેચમાં ધવને ત્રણ સદી અને એક અડધી સદી નોંધાવી છે. ધવને ૨૦૧૭માં શ્રીલંકા સામે ૧૨૮ બોલમાં ૧૨૫ તથા ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૦૭ બોલમાં ૧૦૨ રન કર્યા હતા.

ધવન સૌથી આગળ

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારીને અનોખા રેકોર્ડ બનાવ્યા છે. તેણે આ વર્લ્ડ કપમાં પોતાની પહેલી સદી નોંધાવી છે. આ સાથે જ તે આઈસીસીની ટૂર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ)માં સૌથી વધુ સદી કરનારો એક્ટિવ ખેલાડી બન્યો છે. અત્યાર સુધી સચીન અને ગાંગુલી ૭-૭ સદી સાથે પહેલા ક્રમે હતા. ત્યારબાદ ૬ સદી સાથે ધવન, પોન્ટિંગ અને સંગાકારા બીજા સ્થાને હતા. હવે આ તમામ ખેલાડીઓમાંથી હાલ માત્ર ધવન એક્ટિવ છે જ્યારે બાકીના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે. ધવને તાજેતરની મેચમાં સદી ફટકારીને ૭ સદી સાથે આ તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તે હવે સૌથી વધુ સદી કરનારો એકમાત્ર એક્ટિવ ખેલાડી છે. આ ઉપરાંત રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી નોંધાવી હતી. આ સાથે વન-ડેમાં તેની ૪૨મી અડદી સદી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter