પર્થ: જસપ્રીત બુમરાહના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં હરાવીને પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે ઇતિહાસ પણ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી ચાર ટેસ્ટ રમી છે અને તમામમાં મોટા માર્જિનથી વિજય મેળવ્યા હતા પરંતુ ભારતે પર્થના આ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. પર્થમાં જ ભારતને અગાઉ 2018માં ઓસ્ટ્રેલિયાએ 146 રનથી હરાવ્યું હતું. પર્થના ઓપ્ટસમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 296 રનથી, વેસ્ટ ઇન્ડિઝને 164 રનથી તથા પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ભારતે હવે કાંગારુઓને 295 રનથી હરાવીને પર્થમાં તેના અજેય રહેવાના ઘમંડને તોડી નાખ્યું હતું.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ જીતવા માટે 534 રનનો તોતિંગ ટાર્ગેટ રાખ્યો હતો જેની સામે યજમાન ટીમનો બીજો દાવ 238 રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. ટાર્ગેટ ચેઝ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 17 રનના સ્કોરે તેના ટોચના ચાર બેટ્સમેન ગુમાવી દીધા હતા. મિડલ ઓર્ડરમાં ટ્રેવિસ હેડે 101 બોલામં 89, મિચેલ માર્શે 47 તથા એલેક્સ કેરીએ 36 રન બનાવીને થોડોક સંઘર્ષ કર્યો હતો પરંતુ તેઓ ટીમના પરાજયને ટાળી શક્યા નહોતા. મેચમાં કુલ 72 રન આપીને આઠ વિકેટ ઝડપનાર બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2008માં વાકા ગ્રાઉન્ડ ખાતે વિજય મેળવ્યા બાદ પર્થમાં ભારતનો આ બીજો વિજય છે. ઓવરઓલ ઓસ્ટ્રેલિયા સામે ભારતે બીજો લાર્જેસ્ટ માર્જિનથી વિજય હાંસલ કર્યો છે. ભારતે 2008માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાને મોહાલીમાં વિક્રમી 320 રનના માર્જિનથી હરાવ્યું હતું. ભારતે 1977માં ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં 222 રનથી પરાજય આપ્યો હતો.
‘વિરાટ’ સિદ્ધિ
વિરાટ કોહલીએ રવિવારે પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે તેની ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારીને સર ડોન બ્રેડમેનનો 29 સદીનો રેકોર્ડ તોડયો છે. કોહલીએ 202મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે તે મેથ્યૂ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી કરી છે. કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં આ 81મી સદી હતી. તે સચિન તેંડુલકરની 100 સદી બાદ બીજા ક્રમે છે.
ઘરઆંગણે બીજી સૌથી મોટી હાર
ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 40 વર્ષમાં રનના આધારે બીજો બિગેસ્ટ માર્જિનથી પરાજય મેળવ્યો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા પર્થના વાકા ગ્રાઉન્ડ ખાતે 2012માં સાઉથ આફ્રિકા સામે 309 રનના જંગી માર્જિનથી હાર્યુ હતું. ભારતે હવે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે.
ઓસ્ટ્રેલિયા 1970 બાદ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રારંભિક ટેસ્ટ મેચ હાર્યા બાદ ક્યારેય શ્રેણી જીતી શક્યું નથી. પ્રથમ ટેસ્ટ ગુમાવી હોય તેવી ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી નવ ટેસ્ટ શ્રેણી રમાઇ છે જેમાંથી ઓસ્ટ્રેલિયા આઠ શ્રેણી હાર્યુ છે.
ત્રીજો સૌથી મોટો વિજય
વિદેશની ધરતી ઉપર ભારતે રનના આધારે ત્રીજો બિગેસ્ટ માર્જિનથી વિજય હાંસલ કર્યો છે. ભારતે આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝ સામે નોર્થ સાઉન્ડ ખાતે 318 રનથી તથા શ્રીલંકા સામે 2017માં ગાલે ટેસ્ટમાં 304 રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
બુમરાહ સાતમો સુકાની
જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ટેસ્ટ જીતનાર ભારતનો સાતમો સુકાની બન્યો છે. અન્ય સુકાનીમાં અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, સુનીલ ગાવસ્કર, બિશનસિંહ બેદી, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલેનો સમાવેશ થાય છે. બુમરાહ પર્થમાં ટેસ્ટ જીતનાર બીજો એશિયન સુકાની બન્યો છે.