માઉન્ટ મોંગાનુઈઃ ભારતીય ટીમે યજમાન ન્યૂ ઝીલેન્ડને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી સિરીઝ કબ્જે કરી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે અને બીજી વન-ડે ૯૦ રને જીતી હતી. ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરતાં ન્યૂ ઝીલેન્ડ ૪૯ ઓવરમાં ૨૪૩ રનમાં ઓલઆઉટ કર્યું હતું. ૨૪૪ રનના લક્ષ્યાંક સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીની અર્ધી સદી તેમજ રાયડુ અને કાર્તિક વચ્ચે ચોથી વિકેટ માટે નોંધાયેલી અણનમ ૭૭ રનની ભાગીદારીની મદદથી ૪૩મી ઓવરમાં સાત વિકેટે વિજય મેળવી લીધો હતો.
ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડની ધરતી પર ૧૦ વર્ષ બાદ દ્વિપક્ષીય સિરીઝમાં જીત થઈ છે. આ પહેલાં ભારતે ૨૦૦૯માં ધોનીની કેપ્ટનશિપમાં વન-ડે સિરીઝ જીતી હતી. મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીને કારણે સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડયા પરથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રતિબંધ હટાવ્યો હોવાથી તેને ત્રીજી વન-ડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો. હાર્દિકે પોતાની સફળ પુનરાગમન કરતાં ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ઝડપી હતી. તેમજ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનો શાનદાર કેચ પણ ઝડપ્યો હતો.
હવે રજાઓ માણીશ: કોહલી
ત્રીજી મેચ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તમામ ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ત્રણ મેચ અમારા માટે ઘણી સારી રહી હતી. કોહલીને ચોથી અને પાંચમી વનડેમાં આરામ અપાયો છે. તેના સ્થાને રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે. કોહલીએ કહ્યું હતું કે, મેં ઘણા લાંબા સમયથી બ્રેક નહોતો લીધો. ટીમે ૩-૦થી સિરીઝ જીતી લીધી છે. જેથી હું મારી રજાઓનો આનંદ માણીશ. કોહલીએ શુભમન ગિલની પ્રશંસા કરતાં કહ્યું કે મેં તેને નેટ્સ પર પ્રેક્ટિસ કરતાં જોયો છે. હું તેને જોઈને હેરાન થઈ ગયો હતો કારણ કે ૧૯ વર્ષની વયે હું તેના ૧૦ ટકા પણ નહોતો.
રાયડુની બોલિંગ પર પ્રતિબંધ
આઈસીસીએ શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન અને પાર્ટ ટાઇમ બોલર અંબાતી રાયડુને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમિયાન રાયડુની બોલિંગ એક્શન પર મેચ રેફરીએ સવાલ ઉઠાવ્યા હતા. તે પછી તેને ૧૪ દિવસની અંદર બોલિંગ એક્શન ટેસ્ટ આપવાનો હતો. જોકે તેણે નિર્ધારિત સમયમાં ટેસ્ટ આપ્યો નહોતો. આથી આઈસીસીએ પ્રતિબંધ લગાવ્યો છે.
ધોની ઈજાને કારણે ટીમમાંથી બહાર
ફોર્મમાં રહેલો ધોની ઈજાને કારણે ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રમી શક્યો નહોતો. તેના પગમાં નસો ખેંચાઈ હતી જેને કારણે દિનેશ કાર્તિકને વિકેટકીપર તરીકે સામેલ કરાયો હતો. ધોનીની કારકિર્દીમાં ઘણું ઓછું બન્યું છે કે, તે ઈજાને કારણે બહાર થયો હોય. આ પહેલાં તે છ વર્ષ અગાઉ ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલી ત્રિકોણીય સિરીઝની ત્રણ મેચમાંથી તે બહાર હતો.