મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હરાવીને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૧ની સરસાઈ મેળવી છે. ટીમ ઇંડિયાએ મેલબોર્નમાં આ ત્રીજો વિજય ૩૬ વર્ષ બાદ મેળવ્યો છે. ભારતે આ પૂર્વે ૧૯૮૧માં સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં ૫૯ રને અને તે અગાઉ ૧૯૭૭-૭૮માં બિશનસિંહ બેદીની કેપ્ટનશિપમાં ૨૨૨ રને ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક જ સિરીઝની બે ટેસ્ટ જીતી હોય તેવું ૪૦ વર્ષ બાદ પ્રથમ વખત બન્યું છે. આ પહેલાં ૧૯૭૭-૭૮ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વેળા ભારતે બે મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતે કુલ સાત ટેસ્ટ જીતી છે, જેમાંથી ત્રણ મેલબોર્નમાં, બે એડિલેડમાં જ્યારે પર્થ અને સિડનીમાં એક-એક જીત મેળવી છે.
ઓસ્ટ્રેલિયાને જીત માટે ૩૯૯ રનનું લક્ષ્યાંક મળ્યું હતું, જેની સામે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ ૨૫૮ રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. પેટ કમિન્સે ચોથા દિવસે સંઘર્ષ કરતાં ભારત જીતથી બે વિકેટ દૂર રહ્યું હતું. મેચના પાંચમા દિવસે પ્રથમ સેશન વરસાદને કારણે ધોવાઈ ગયું હતું, પરંતુ લંચ બાદ રમત શરૂ થઈ અને માત્ર ૨૭ બોલમાં ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં કુલ નવ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારતીય ટીમે પોતાની ૫૩૨મી ટેસ્ટમાં ૧૫૦મી જીત હતી. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા (૩૮૪), ઇંગ્લેન્ડ (૩૬૪), વેસ્ટ ઇન્ડીઝ (૧૭૧) અને સાઉથ આફ્રિકા (૧૬૨) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાનો આ ટેસ્ટ ક્રિકેટમાં ૨૨૨મો પરાજય હતો અને તેનાથી વધુ હાર ઇંગ્લેન્ડ (૨૯૮)ના નામે છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ દાવમાં સાત વિકેટે ૪૪૩ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ભારતના આ જંગી સ્કોર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ૧૫૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને ૨૯૨ રનની જંગી લીડ મળવા છતાં કોહલીએ ઓસ્ટ્રેલિયાને ફોલો-ઓન આપવાને બદલે બીજી ઇનિંગમાં બેટિંગનો નિર્ણય કર્યો હતો અને આઠ વિકેટે ૧૦૬ રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. આમ ઓસ્ટ્રેલિયાને જીત માટે ૩૯૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે યજમાન ટીમ ૨૬૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ ૨-૧થી આગળ થઈ છે જેનો મતલબ હવે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત પાસે જ રહેશે. જો ભારત સિડની ટેસ્ટ જીતી જશે તો ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સિરીઝ વિજય હશે.
કોહલીએ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી
મેલબોર્ન ટેસ્ટમાં વિજય સાથે કેપ્ટન વિરાટ કોહલી વિદેશમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે સંયુક્ત રીતે સૌથી વધુ સફળ ભારતીય કેપ્ટન બન્યો છે. મેલબોર્ન ટેસ્ટમાં કોહલીના નેતૃત્વમાં વિદેશી ધરતી પર ભારતની આ ૧૧મી જીત હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં પણ ભારતે વિદેશી ધરતી પર ૧૧ ટેસ્ટ મેચ જીતી હતી. કોહલીની આ ઉપરાંત કેપ્ટન તરીકે કુલ ૨૬મી જીત હતી. હવે તે ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના ધોનીના રેકોર્ડથી એક જીત દૂર છે. ધોનીએ ૬૦ ટેસ્ટ મેચમાં ૨૭ જીત મેળવી છે. સિડની ટેસ્ટમાં ભારત જીતશે તો કોહલી ધોનીની બરાબરી કરશે. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે ૪૯ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ ૨૧ મેચમાં વિજય મેળવ્યો હતો.