ટીમ ઇંડિયાએ લાજ બચાવીઃ ત્રીજી વન-ડેમાં બાંગ્લાદેશને હરાવ્યું

Thursday 25th June 2015 03:25 EDT
 
 

મિરપુરઃ વન-ડે સિરીઝ અગાઉ જ હારી ચૂકેલી ટીમ ઇંડિયાએ મિરપુરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં વિજય મેળવીને આબરૂ બચાવી લીધી છે. ઓપનર શિખર ધવન તથા કેપ્ટન ધોનીએ નોંધાવેલી અડધી સદી બાદ પાર્ટ-ટાઇમ સ્પિનર સુરેશ રૈના સહિતના બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે ૭૭ રનથી વિજય મેળવીને ૨-૧થી બાંગ્લાદેશ પ્રવાસનું સમાપન કર્યું હતું. બુધવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતના ૩૧૭ રનના લક્ષ્યના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર બાંગ્લાદેશનો દાવ ૪૭ ઓવરમાં ૨૪૦ રનમાં સમેટાયો હતો.
કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી બાંગ્લાદેશની ટીમે નબળો પ્રારંભ કરતાં માત્ર આઠ રનના સ્કોરે ઓપનર તમિમ ઇકબાલ (૫)ની વિકેટ ગુમાવી હતી. આ પછી સૌમ્યા સરકાર (૪૦) તથા લિટ્ટન દાસે (૩૪) બીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી નોંધાવીને યજમાન ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપવા પ્રયાસ કર્યો હતો. જોકે મિડલ ઓર્ડર સુરેશ રૈનાએ મુશ્ફિકર રહીમ (૨૪) તથા સાકિબ (૨૦)ની વિકેટ ઝડપીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધી હતી.
વર્તમાન શ્રેણીમાં મુસ્તાફિઝુરે સતત ત્રીજી વખત રોહિત શર્મા (૨૯)ને પેવેલિયન મોકલી ભારતને આંચકો આપ્યો હતો. મોર્તઝાએ સદી તરફ આગળ વધી રહેલા શિખર ધવનને આઉટ કરતાં ભારતે ૧૫૮ રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. તેણે ૭૩ બોલમાં ૭૫ રન કર્યા હતા. ધોનીએ ૬૯ રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ ૩૮ રન ફટકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter