ઈન્દોર, ગુવાહાટીઃ સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવી ક્લિનસ્વીપ કરવાના યજમાન ટીમના ઇરાદા પર પાણી ફેરવ્યું હતું. અગાઉ જ 2-1થી સિરીઝ જીતી ચૂકેલી ટીમ ઇંડિયાના બેટર્સે મેચમાં જાણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી દિનેશ કાર્તિક સિવાયના કોઈ બેટરો ચાલ્યા નહોતા.
હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર સાવ સસ્તામાં આઉટ થયા હતા. તો પંતે 27 રન કર્યા હતા. એક માત્ર દિનેશ કાર્તિકે ફટકાબાજી કરીને માત્ર 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. અગાઉ સાઉથ આફ્રિકાએ 3 વિકેટે 227 રન કર્યા હતા. જેમાં રિલી રોસોયુના 48 બોલમાં 100 રન મુખ્ય હતા.
આ પૂર્વે ટીમ ઇંડિયાએ આસામના પાટનગર ગુવાહાટીમાં રવિવારે રમાયેલી બીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાને 16 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઇંડિયાએ સાત વર્ષ પછી ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી લીધી હતી. શરૂઆતમાં કેટલાક આંચકા પછી, સાઉથ આફ્રિકાના બેટર ડેવિડ મિલર અને ક્વિન્ટન ડી કોકે સાઉથ આફ્રિકાનું પલડું મજબૂત બનાવીને ટીમને જીતની નજીક લાવી દીધી હતી. જોકે આફ્રિકાની ટીમ 3 વિકેટે 221 રન સુધી સીમિત રહી હતી. મિલરે 47 બોલમાં 106 રનની લડાયક ઇનિંગ રમી હતી. તો ક્વિન્ટન ડી કોકે પણ 48 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 2 વિકેટ અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. રાહુલ તેની શાનદાર માટે પ્લેયર ઓફ ધ મેચ થયો હતો.
અગાઉ ભારતે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. સૂર્યકુમાર યાદવે ફરી એક વાર તોફાની ઇનિંગ રમી હતી. તેણે 22 બોલમાં જ 61 રન ફટકાર્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. રાહુલે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ 28 બોલમાં 49* રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો કેપ્ટન રોહિતે 43 રન કર્યા હતા.