મુંબઇઃ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની રવિવારે એમએસકે પ્રસાદના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ જાહેરાત કરી છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતનો આ પ્રથમ વિદેશ પ્રવાસ રહેશે. વિરાટ કોહલીને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવાયો છે. સિનિયર ખેલાડી ધોનીને પૂરા પ્રવાસ માટે તથા પેસ બોલર જસપ્રીત બુમરાહને વન-ડે તથા ટ્વેન્ટી૨૦ શ્રેણીમાંથી આરામ અપાયો છે.
ભારતીય ટીમ વિન્ડીઝના પ્રવાસમાં ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે તથા બે ટેસ્ટ મેચ રમશે. રિષભ પંત ત્રણેય ફોર્મેટમાં રમશે. જોકે રિદ્ધિમાન સાહાને ટેસ્ટ શ્રેણીમાં વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપાશે.
બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર પ્રસાદે ધોનીને ટીમમાં સામેલ નહીં કરવા અંગે જણાવ્યું હતું કે તે આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી. અમે ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમને પસંદ કરી છે. અમે પંતને વધારે તક આપવા માગીએ છીએ અને હાલમાં અમારી આ યોજના છે. ધોની પોતે આ પ્રવાસમાં સામેલ થવા માગતો નહોતો અને બોર્ડે પણ અમને આ માહિતી આપી હતી. તે બે મહિના ઇન્ડિયન આર્મીમાં ફરજ અદા કરશે.
ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઇંડિયા
ટેસ્ટ ટીમઃ મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
વન-ડે ટીમઃ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ એહમદ, નવદીપ સૈની.
ટી-૨૦ ટીમઃ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડયા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની.