કોલંબોઃ ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર વિજય સાથે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ ૧-૧થી સરભર કરી છે. ટીમ ઇંડિયાએ બેટિંગ-બોલિંગ બન્નેમાં પ્રભાવશળી દેખાવ કરીને શ્રીલંકા સામે ૨૭૮ રને જ્વલંત વિજય મેળવ્યો હતો.
ટીમ ઇંડિયાના કે. એલ. રાહુલે શ્રીલંકા સામે પહેલી જ વખત રમતાં સદી ફટકારી હતી તો બીજી ઇનિંગમાં અજિંક્ય રહાણેએ સદી કરી હતી. બોલિંગમાં અમિત મિશ્રાએ શ્રીલંકાની પહેલી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં આર. અશ્વિને ધારદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવી હતી. આ ભારતીય સ્પિનર જોડી સામે શ્રીલંકાના એકેય બેટ્સમેન ટકી શક્યા નહોતા. શ્રીલંકા બીજી ઇનિંગમાં માત્ર ૧૩૪ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકા તરફથી ૪૬ રન કરનાર ઓપનર કરુણારત્ને સિવાય એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. ભારત તરફથી આર. અશ્વિને પાંચ અને અમિત મિશ્રાએ ત્રણ વિકેટ ઝડપીને શ્રીલંકાનો પરાજય નિશ્ચિત કર્યો હતો.
પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર કે. એલ. રાહુલ મેન ઓફ ધ મેચ થયો હતો. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી વધુ લાંબા સમયગાળા પછી ભારત ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતે શ્રીલંકા સામે ૨૭૮ રને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. સંગાકારાની ટેસ્ટ કરિયરની આ છેલ્લી મેચ હતી, પરંતુ તે બેટિંગમાં સદંતર નિષ્ફળ નીવડ્યો હતો. શ્રીલંકન ટીમ પણ તેને વિજય સાથે વિદાય આપી શકી નહોતી.