બેંગ્લૂરુઃ ટીમ ઇંડિયાએ બીજી ટેસ્ટમાં પણ મહેમાન શ્રીલંકાને હરાવીને બે મેચની સીરિઝ 2-0થી કબ્જે કરી છે. આ સાથે જ ભારતે ઘરઆંગણે સતત 15મી સીરિઝ જીતી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પિન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં શ્રીલંકા સામે મેચ જીતવા 447 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં સમગ્ર ટીમ માત્ર 208 રન જ કરી શકી હતી. ભારતની જીતમાં બીજી ઈનિંગ દરમિયાન અશ્વિને 4 તથા બુમરાહે 3 વિકેટ લીધી છે. જ્યારે અક્ષર પટેલે 2 તથા રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી છે. પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ શ્રેયસ અય્યર (92 રન અને 67 રન)ને મળ્યો છે. જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ રિષભ પંત (185 રન - આખી સિરીઝમાં)ને પસંદ કરાયો છે.
ભારતે પહેલી ઇનિંગમાં ટોસ જીતીને બેટિંગ કરતાં 252 રન કર્યા હતા. જેમાં શ્રેયસ અય્યરના 98 બોલમાં આક્રમક 92 રન જ્યારે રિષભ પંતના 26 બોલમાં 39 રન મુખ્ય હતા. જવાબમાં શ્રીલંકાની ટીમનો પહેલો દાવ 109 રનમાં જ સમેટાયો હતો, જેમાં મેથ્યુઝના 43 અને ડિક્વેલાના 21 રન મુખ્ય હતા. શ્રીલંકાના પતનમાં બુમરાહનું નિર્ણાયક યોગદાન હતું. તેણે 24 રનમાં પાંચ વિકેટ જ્યારે શમીએ 18 બોલમાં બે વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં ભારતે નવ વિકેટે 303 રન કર્યા હતા, જેમાં ઐયરના 67 અને રિષભ પંતના 50 રન મુખ્ય હતા. શ્રીલંકા સામે મેચ જીતવા માટે પહેલા દાવની લીડ સહિત કુલ 447 રનનો પડકારજનક ટાર્ગેટ હતો. આ ટાર્ગેટ ચેઝ કરતા સમયે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને (107) ટોપ સ્કોરર રહ્યો હતો. તો બીજી તરફ ટીમના 7 ખેલાડી ડબલ ડિજિટ સ્કોર પણ પાર કરી શક્યા નહોતા.
અશ્વિને સ્ટેનને ઓવરટેક કર્યો
ધનજંય ડિસિલ્વાને આઉટ કરી રવીચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો દુનિયાનો 8મો બોલર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ દિગ્ગજ ડેલ સ્ટેને 439 વિકેટ લીધી હતી. લાહિરુ થિરિમાનેના આઉટ થયા પછી કુસલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્નેએ શ્રીલંકાની ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 115 બોલમાં 97 રનની પાર્ટનરશિપ થઈ હતી. બીજી ઇનિંગમાં અશ્વિને 55 રનમાં ચાર વિકેટ જ્યારે બુમરાહે 23 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
રોહિતની સિક્સરે દર્શકનું નાક તોડ્યું
ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. તેની આ સિક્સરથી એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે મેચની છઠ્ઠી ઓવરમાં રોહિતે ફર્નાન્ડોની ઓવરમાં પુલ શોટ મારી સિક્સર ફટકારી હતી. આ બોલ સીધો જ મેચ જોઈ રહેલા એક દર્શક ગૌરવ વિકાસના નાક પર વાગ્યો હતો. એટલું જ નહીં આનાથી તેના નાકના હાડકામાં હેરલાઈન ક્રેક થઈ ગઈ છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના મેડિકલ સ્ટાફે સૌથી પહેલા ગૌરવને પ્રાથમિક સારવાર આપવા માટે મેડિકલ રૂમમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યાર પછી કઈ સુધારો ન જણાતાં તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં તેને ટાંકા આવ્યા છે તથા નાકના હાડકાને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.