ટીમ ઇંડિયાનો લોર્ડઝ ટેસ્ટમાં યાદગાર વિજયઃ ઈંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું

Wednesday 18th August 2021 07:35 EDT
 
 

લોર્ડઝ: ભારતે સોમવારે લોર્ડઝમાં યાદગાર વિજય મેળવતા બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું હતું. જીતવા માટેના ૨૭૨ રનના પડકાર સામે ઈંગ્લેન્ડ ૧૨૦ રનમાં ઓલઆઉટ થયું હતું. અગાઉ ભારતની બીજી ઈનિંગ્સમાં શમી (અણનમ ૫૬) અને બુમરાહે (અણનમ ૩૪) નવમી વિકેટની અણનમ ૮૯ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી ઈંગ્લેન્ડને હતાશ કરી દીધું હતું. આમ ભારતે ૮ વિકેટે ૨૯૮ રન નોંધાવી બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી. આ પછી ભારતના ફાસ્ટ બોલરોના સામૂહિક સપાટા સામે ઈંગ્લેન્ડ ઝૂકી ગયું હતું. સિરાજે ૪ વિકેટો ઝડપી હતી. તો ઇશાન્તે ત્રણ વિકેટ ઝડપી હતી.
આ કારમા પરાજય બાદ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ચોમેરથી ટીકાની ઝડી વરસી છે. રાષ્ટ્રીય અખબારોમાં જણાવાયું છે કે રુટના નેતૃત્વ હેઠળની ટીમે મેચને સાવ હળવાશથી લીધી તેનું આ પરિણામ છે. મેચ જીતવાનો તેમનામાં જુસ્સો દેખાતો નહોતો. જનાક્રોશના પગલે રુટે પણ કબૂલ્યું હતું કે ટીમના સભ્યોમાં મેચ જીતવા માટેના જુસ્સાનો અભાવ હતો તેનું આ પરિણામ છે. બીજી તરફ, ટીમ ઇંડિયા જાણે મેચ જીતવાના નક્કર ઇરાદા સાથે મેદાનમાં ઉતરી હતી અને તેઓ મેચને વિજય ભણી દોરી ગયા હતા.
રુટની ટીમ પાણીમાં બેઠી
હાંસલ કરી શકાય તેવા ૨૭૨ રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલા ઇંગ્લેન્ડ પાસે ૬૦ ઓવરો હતી પણ તેના બંને ઓપનર બર્ન્સ અને સિબલી શૂન્યમાં આઉટ થતાં ઈંગ્લેન્ડ સ્તબ્ધ થઈ ગયું હતું. હસીબ, બેરસ્ટો અને કોહલી દ્વારા લેવાયેલ ડીઆરએસમાં ઈંગ્લેન્ડની કરોડરજ્જુ સમાન રૂટ (૩૩) આઉટ થતા ૬૭ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી.
બટલર-મોઈને ૧૫.૪ ઓવરો રમીને ડ્રોની શક્યતા પ્રબળ બનાવી હતી, પણ તે જ વખતે સિરાજે મોઈન અલી (૪૨ બોલમાં ૧૩) અને તે પછીના બોલે કરન (૦)ને આઉટ કરીને સ્કોર ૯૦ રન ૭ વિકેટે કરી દેતા ફરી ભારતની જીતના દ્વારા ખોલ્યા હતા. આ વખત ઈંગ્લેન્ડને હજુ ૨૧.૪ ઓવર રમવાની બાકી હતી. બટલર અને રોબિન્સને પછી જોરદાર લડત આપી હતી. સિરાજે બટલર અને એન્ડરસનને આઉટ કરીને ઈંગ્લેન્ડને પરાજ્ય ભેગું કર્યું હતું.
શમી - બુમરાહનું યાદગાર યોગદાન
આ અગાઉ ૬ વિકેટે ૧૮૧ રનથી પાંચમા અને આખરી દિવસની રમતનો પ્રારંભ કર્યો હતો. ઈંગ્લેન્ડની ૩૧ રનની સરસાઈ બાદ કરતાં ભારતના ૧૫૪ રન થયા હતા. પંત ૧૪ રને અને ઈશાંત શર્મા ૪ રને રમતા હતા. ઈંગ્લેન્ડે ૨૦૯ સુધીમાં બંને અણનમ બેટ્સમેન ભયજનક બની શકે તેવા પંત (૨૨) અને ઈશાંત શર્મા (૧૬)ને આઉટ કરી દેતાં ઈંગ્લેન્ડ ભારતને હરાવી શકે તેવી શક્યતા જોવાતી હતી. કોઈએ પણ શમી અને બુમરાહ આ હદે અણનમ ૮૯ રનની નવમી વિકેટની ભાગીદારી નોંધાવશે તેવી કલ્પના નહોતી કરી.
ઈંગ્લેન્ડના બોલરોની સ્થિતિ દયનીય અને લાચાર બની ગઈ હતી. શમી અને બુમરાહ આક્રમક બેટિંગથી ઈંગ્લેન્ડને તો વિજયથી દૂર લઈ ગયા પણ તેઓની આ ભાગીદારીથી ભારતે તેઓએ કલ્પના પણ ન કરી હોય તેમ ૨૭૨ રનનો પડકાર ૬૦ ઓવરોમાં આપ્યો. ઈંગ્લેન્ડના બેટ્સમેનો દોઢેક કલાકમાં જ મેચ જીતવાની જગ્યાએ બચાવવા ઉતરતા વિકેટો ગુમાવવા માંડ્યા. સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ભારતની નવમી વિકેટની આ ૨૦૦૮ પછીની સૌપ્રથમ ૫૦ પ્લસની ભાગીદારી છે. શમી-બુમરાહ અગાઉ લક્ષ્મણ-આર. પી. સિંઘે ઓસ્ટ્રેલિયામાં (૨૦૦૮) ૫૦ પ્લસની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ રવિવારે ભારતે ચોથા દિવસે ૫૫ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી, પણ ભારતને સ્વસ્થતા આપતા પૂજારા (૨૦૬ બોલમાં ૪૫) અને રહાણે (૧૪૬ બોલમાં ૬૧)એ ૧૦૦ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, તેઓ બંને અને જાડેજા (૩) આઉટ થતાં ભારતનો રમતના અંતે ૬ વિકેટ ૧૮૧ રનનો સ્કોર હતો.
સોમવારે મેચનો આખરી દિવસ શમી-બુમરાહે યાદગાર બનાવ્યો હતો. ભારતનો નવમી વિકેટની ભાગીદારીનો વિદેશમાં રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં મોરે અને રાજુનો ૭૭ રનનો હતો. જે શમી અને બુમરાહે તોડ્યો હતો. ઈંગ્લેન્ડમાં આ રેકોર્ડ કપિલ - મદનલાલનો ૧૯૮૨માં ૬૬ રનનો હતો.
રુટની ૨૨મી સદી સાથે વિક્રમોની વણઝાર
કેપ્ટન જોઇ રુટે ભારત સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમની બાજી સંભાળવા ઉપરાંત ઘણા રેકોર્ડ પણ નોંધાવ્યા હતા. ૨૦૦મો બોલ રમતાની સાથે રુટે કારકિર્દીની ૨૨મી સદી અને વર્તમાન શ્રેણીની સતત બીજી સદી ફટકારી હતી. આ તેની કુલ ૩૮મી ઇન્ટરનેશનલ સદી હતી અને તેણે ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂકની પણ બરોબરી કરી હતી. હવે કૂક અને રુટના નામે ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક સદી નોંધાઇ છે. રુટે તેની શાનદાર ઇનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં નવ હજાર રન પણ પૂરા કર્યા હતા. રુટે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સાતમી સદી ફટકારી હતી. આ પહેલાં તેણે નોટિંગહામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં પણ ૧૦૯ રનની ઇનિંગ રમી હતી. વિશ્વ ક્રિકેટમાં રુટ કરતાં ગેરી સોબર્સ, વિવિયન રિચાર્ડ્સ, રિકી પોન્ટિંગ અને સ્ટિવ સ્મિથ જ ભારત સામે વધારે સદી ફટકારી હતી. આ તમામના નામે આઠ-આઠ સદી નોંધાયેલી છે.
યંગેસ્ટ બેટ્સમેન બન્યો
સૌથી ઓછી વયે નવ હજાર રન પૂરા કરવાના મામલે જોઇ રુટ એલિસ્ટર કૂક બાદ બીજા ક્રમે છે. કૂકે ૩૦ વર્ષ ૧૫૯ દિવસમાં આ આંકડાને પાર કર્યો હતો. રુટે આ માઇલસ્ટોન હાંસલ કરવા માટે ૩૦ વર્ષ ૨૨૭ દિવસનો સમય લીધો હતો. સચિન તેંડુલકર ત્રીજા ક્રમે છે. તેણે ૩૦ વર્ષ ૨૫૩ દિવસમાં નવ હજાર રન પૂરા કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter