કોલકતાઃ ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની પહેલી ટીમ બની છે. કોલકતામાં રવિવારે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમે મહેમાન ટીમ બાંગ્લાદેશને હરાવીને સિરીઝ પર કબજો કર્યો છે.
કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર કેપ્ટન ઇનિંગ (૧૩૬) અને ફાસ્ટ બોલરોની મહેનતના કારણે ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતાં બાંગ્લાદેશને સિરીઝની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે એક ઇનિંગ અને ૪૬ રનથી હાર આપી હતી. કોલકતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં પિંક બોલથી ડે-નાઇટ ફોર્મેટમાં રમવામાં આવેલી આ મેચમાં ભારતને ત્રીજા દિવસે જીત માટે ૪ વિકેટની જરૂર હતી.
ડે-નાઇટ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ માટે ઊતરેલી બાંગ્લાદેશી ટીમ પહેલા દાવમાં ૧૦૬ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૯ વિકેટે ૩૪૭ રન બનાવીને પોતાનો પહેલો દાવ ડિક્લેર કરી દીધો હતો. પહેલી ઇનિંગને આધારે ભારતને ૨૪૧ રનની સરસાઇ મળી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઊતરેલી બાંગ્લાદેશી ટીમ ૧૯૫ રને આઉટ થઈ ગઈ હતી અને આ રીતે ભારતે પોતાની પહેલી જ ડે-નાઇટ ટેસ્ટમાં જીત મેળવી લીધી હતી.
બીજી ઇનિંગ્સમાં ભારત વતી ઉમેશ યાદવે સૌથી વધારે પાંચ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે દિવસમાં ૩ વિકેટ ઝડપી લીધી હતી. આ રીતે બાંગ્લાદેશનો બીજો દાવ ૪૧.૧ ઓવરમાં ૧૯૫ રન પર સમેટાઈ ગયો હતો. ભારતે બાંગ્લાદેશનો પહેલો દાવ ૧૦૬ રન પર સમેટયા બાદ બીજા દિવસે ૯ વિકેટ પર ૩૪૭ રન બનાવીને પોતાનો પહેલા દાવ ડિકલેર જાહેર કર્યો હતો.
મેન ઓફ ધ સિરીઝ ઈશાંત શર્મા
મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઈશાંત શર્માએ આ ડે-નાઇટ ટેસ્ટમાં કુલ ૯ વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ કુલ ૯ વિકેટ ઝડપી હતી તો મોહમ્મદ શમીને પહેલા દાવમાં ૨ વિકેટ મળી હતી. તે ઉપરાંત ચેતેશ્વર પૂજારાએ ૫૫ રન અને અજિંક્ય રહાણે ૫૧ રન બનાવી અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા ૨૧ રન બનાવીને આઉટ થયો હતો.
ભારત ૩૬૦ પોઈન્ટ સાથે ટોચ પર
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં કુલ ૭ મેચ જીતીને ૩૬૦ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. બીજા સ્થાને ૧૧૬ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા, જ્યારે ત્રીજા ક્રમે ૬૦ પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો નંબર આવે છે.
ભારતીય ટીમને નામે વધુ એક રેકોર્ડ
ભારતની આ જીતે એક નવો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. ટીમ ઇન્ડિયાની આ સતત ૪થી ટેસ્ટ જીત છે જેમાં ભારતે ઇનિંગ અને રનોનાં અંતરથી જીત નોંધાવી છે. આ પહેલાં દુનિયાની કોઈ પણ ટીમ આવી જીત મેળવી શકી નથી. ભારતે બાંગ્લાદેશને બન્ને ટેસ્ટના દાવ અને રનોના અંતરથી હાર આપી હતી. આ પહેલાં અહીં આવેલી સાઉથ આફ્રિકાન ટીમને પણ રાંચી અને પુણે ટેસ્ટમાં ઇનિંગ્સ અને રનોનાં અંતરથી હાર આપી હતી.
કોહલીની સિદ્ધિઃ સતત ૭ વિજય
વિરટ કોહલી સતત સાત ટેસ્ટ જીતનાર પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે. આ ઉપરાંત મેચમાં કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલીની કારકિર્દીની ૨૭મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલીએ પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડીને ૨૭ ટેસ્ટ સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે.