જ્યોર્જ બેઇલી એક મેચ માટે સસ્પેન્ડ
ભારત સામેની ત્રિકોણીય મેચની લીગ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન જ્યોર્જ બેઇલી પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ તે ૨૪મીએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. યજમાન ટીમે રવિવારની મેચમાં ૫૦ ઓવર પૂરી કરવા માટે નિર્ધારિત સમય કરતાં ૨૬ મિનિટ વધારે લીધી હતી. આઈસીસીના અનુસાર બેઈલી પર છેલ્લા ૧૨ મહિનામાં બીજી વખત સ્લો ઓવર રેટના કારણે પ્રતિબંધિત કરાયો છે. સ્લો ઓવર રેટના કારણે બેઇલીને મેચ ફીના ૨૦ ટકા તથા અન્ય ખેલાડીઓને ૧૦ ટકાની રકમ દંડ ફટકારવામાં આવી છે. બેઇલીના સ્થાને ૨૪મીએ સ્ટિવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરી શકે છે.
બ્રેટ લીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીએ ટી-૨૦ ક્રિકેટની સાથે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બ્રેટ લીએ ૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી દીધી હતી. જોકે, ત્યારબાદ બ્રેટ લી આઇપીએલની જેમ ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમતો હતો. લી આઇપીએલ અને ન્યૂઝી.માં એચઆરવી કપમાં ભાગ લીધો હતો. બ્રેટ લી ૨૦૧૩માં આઇપીએલની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમ્યો હતો.