પોર્ટ ઓફ સ્પેન: ભારતે બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝને બે વિકેટે હરાવીને ત્રણ મેચની વન-ડે સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી છે. ટીમ ઇંડિયાના વિજયનો હીરો હતો ઓલરાઉન્ડર અક્ષર પટેલ. ભારતે વીન્ડિઝમાં સળંગ પાંચમી અને કુલ છઠ્ઠી વન-ડે સીરિઝ પોતાને નામે કરી છે. આ ભારતની વેસ્ટ ઈન્ડીઝમાં કુલ 10મી વન-ડે સીરિઝ છે. આ અગાઉ 9 સીરિઝમાં ભારતે 5 અને વેસ્ટ ઈન્ડીઝ 4 સીરિઝ જીતી હતી. ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે 15મી વન-ડે સીરિઝ જીતી છે. ભારત હવે વેસ્ટ ઈન્ડીઝ સામે સળંગ 12 વન-ડે સીરિઝ જીતી ચૂક્યું છે.
ભારતનો વેસ્ટ ઈન્ડીઝ સામે સળંગ વન-ડે સીરિઝ જીતવાનો સિલસિલો 2007થી ચાલુ છે. કોઈ એક ટીમ સામે સળંગ સૌથી વધુ વન-ડે સીરિઝ જીતવા બાબતે ભારત હવે ટોચ પર પહોંચી ગયું છે. ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે ઝિમ્બાબ્વે સામે સળંગ 11 વન-ડે સીરિઝ જીતી હતી.
ધવન વેસ્ટ ઈન્ડીઝમાં વન-ડે સીરિઝ જીતનારો પાંચમો ભારતીય કેપ્ટન બન્યો છે. વેસ્ટ ઈન્ડીઝમાં વન-ડે સીરિઝ જીતનારો પ્રથમ ભારતીય કેપ્ટન ગાંગુલી હતો, કોહલી એકમાત્ર ભારતીય કેપ્ટન છે, જેણે વેસ્ટ ઈન્ડીઝમાં બે વન-ડે સીરિઝ જીતી છે.
20 વખત વન-ડેમાં 300+નું લક્ષ્ય
ભારતને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 312 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે તેણે બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધું. વન-ડે ક્રિકેટમાં આવું 98મી વખત થયું છે, જ્યારે 300 કરતાં વધુ રનનું લક્ષ્ય હાંસલ કર્યું હોય. ભારતે 20મી વખત આ સિદ્ધિ મેળવી છે અને આ બાબતે ટોપ પર છે. ઈંગ્લેન્ડે 300+નું લક્ષ્ય 13 વખત પ્રાપ્ત કર્યું છે. જોકે, ભારત એક વખત 300+ના લક્ષ્યમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ ટાઈ પણ કરાવી ચુક્યું છે.
સળંગ ત્રીજી વન-ડે સીરિઝમાં વિજય
ભારતે સળંગ ત્રીજી વન-ડે સીરિઝ પર કબજો કર્યો છે. આ વર્ષે જીતેલી ત્રણેય સીરિઝમાં અલગ-અલગ સુકાની હતા. ભારતે પ્રથમ સીરિઝ રોહિતની કેપ્ટનશીપમાં ઘર આંગણે વિન્ડિઝ સામે 3-0થી જીતી હતી. રાહુલની કેપ્ટનશીપમાં ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસે 2-1થી સીરિઝ જીતી. હવે ધવનની કેપ્ટનશીપમાં સીરિઝ જીતી છે.
ટીમ ઇન્ડિયાના વિજયના ત્રણ કારણ
• ઓલહાઉન્ડર અક્ષર: તેણે 9 ઓવરમાં માત્ર 40 રન આપીને એક વિકેટ લીધી. આ પછી સાતમા ક્રમે બેટિંગ કરતાં 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા.
• ઉપયોગી દીપક: ઓફ સ્પિનરે પ્રથમ બોલે જ મેયર્સને આઉટ કરીને હોપ સાથે તેની 65 રનની ભાગીદારીનો અંત લાવ્યો. 33 રન પણ બનાવ્યા અને અક્ષરની સાથે છઠ્ઠી વિકેટ માટે 51 રન ઉમેર્યા.
• શ્રેયસ-સંજૂનો સહયોગ: 79 રન પર ત્રણ વિકેટ પડી ગયા પછી શ્રેયસ અને સેમસને 94 બોલ પર 99 રનની ભાગીદારી કરી ભારત માટે વિજયનો પાયો નાખ્યો.