આણંદ, લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના સુપરફેન ચારૂલતા પટેલને બ્રેઈન હેમરેજ થતાં છેલ્લા ત્રણ મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. તેઓનું નિધન થતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-બીસીસીઆઈ, રોયલ ચેલેન્જર, સન રાઈઝર, ધ ભારત આર્મી સહિત ક્રિકેટર અને ક્રિકેટપ્રેમીઓએ ટ્વિટ કરીને સુપરફેન દાદીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ચારૂલતા પટેલની અંતિમક્રિયા ૨૦ જાન્યુઆરીએ યુકેમાં કરાઈ હતી. ગત વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીને મળ્યા બાદ ચર્ચામાં આવ્યાં હતાં.
ચારૂલતા પટેલના પુત્ર અને આણંદમાં વ્યવસાયે બિલ્ડર યોગીન પટેલે જણાવ્યું કે દિવાળીના પર્વથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓને બ્રેઈન હેમરેજ થયું હોવાથી સારવાર ચાલી રહી હતી. ૧૩ જાન્યુઆરીએ તેઓએ અંતિમશ્વાસ લીધા હતા. ગત વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મળીને ટીમને જીતની શુભકામના પણ પાઠવી હતી.
ચારૂલતા પટેલના માતા-પિતા મૂળ ખેડાના ઉત્તરસંડાના વતની અને આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેમનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. તેઓ ૧૯૭૫માં ઈંગ્લેન્ડમાં જઈને વસ્યા હતા. તેમજ તેમના લગ્ન આણંદના સુણાવ ગામના વતની ચંદ્રકાંત પટેલ સાથે થયા હતા. તેઓને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી છે, જે પૈકી એક દીકરો યોગીન પટેલ આણંદમાં બિલ્ડર છે જ્યારે પાંચ સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે.