હરારેઃ ટીમ ઇંડિયાએ ઝિમ્બાબ્વેમાં ઇતિહાસ રચ્યો છે. સોમવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં પણ યજમાન ટીમને 13 રને હરાવી 3-0થી સીરિઝ જીતી લીધી છે.
ઝિમ્બાબ્વેના બેટ્સમેન સિકંદર રઝાએ શાનદાર ઇનિંગ રમીને 95 બોલમાં 115 રન ફટકાર્યા હતા. જોકે રઝાની આ લડાયક ઇનિંગ ઝિમ્બાબ્વેને જીતા઼ડી શકી નહોતી અને સમગ્ર ટીમ 49.3 ઓવરમાં 276માં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ આવેશ ખાને લીધી હતી. દીપક ચહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી. શાર્દૂલ ઠાકુરને 1 વિકેટ મળી હતી.
અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 289 રન કર્યા હતા. યુવા ખેલાડી શુભમન ગિલે વન-ડે કરિયરની પ્રથમ સદી ફટકારતા 97 બોલમાં 130 રન કર્યા હતા. ઈશાન કિશને પણ વન-ડે કરિયરની મેડન ફિફ્ટી મારી હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ બ્રેડ ઇવાંસે 5 વિકેટ ઝડપી હતી.
ગિલ તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ થયો હતો. તો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ તેને મળ્યો હતો. તેણે સિરીઝ દરમિયાન કુલ205 રન કર્યા છે.