દુબઈઃ ભારત, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેમાં સિરીઝ બાદ આઈસીસી દ્વારા ટી૨૦ની રેન્કિંગ જાહેર કરાઇ છે, જેમાં ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે નવ સ્થાનના ફાયદા સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ત્રણ સ્થાનના ફાયદા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને ત્રિકોણીય સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં ૪૪ સ્થાનની લાંબી છલાંગ લગાવતાં બીજો ક્રમાંક મેળવી લીધો છે. ઈજાગ્રસ્ત બાબર આઝમ, કોલિન મુનરો અને ગ્લેન મેક્સવેલનું આ ત્રણેય ખેલાડીઓએ સ્થાન લીધું છે.
લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં અણનમ ૧૦૧ રન કર્યા હતા, પરંતુ તે પછીની બે મેચમાં છ અને ૧૯ રન બનાવતાં તેને નવ સ્થાનનો ફાયદો થયો હતો અને તેના ૮૧૨ પોઇન્ટ થયા છે. રોહિત શર્મા બે સ્થાનના ફાયદા સાથે ૧૧મા ક્રમે છે, પરંતુ વિરાટ કોહલીને ચાર સ્થાનનું નુકસાન થતાં ૧૨મા ક્રમાંકે ધકેલાયો છે.
એરોન ફિન્ચે ત્રિકોણીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે પાંચ ઇનિંગમાં ૩૦૬ રન બનાવતાં ચોથા સ્થાનેથી પ્રથમ નંબરે પહોંચી ગયો છે. ફિન્ચના ૯૦૦ પોઇન્ટ થઈ ગયા છે અને તે આ ફોર્મેટમાં ૯૦૦ પોઇન્ટ મેળવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડાર્શી શોર્ટે ૧૮ સ્થાનના ફાયદા સાથે ૧૦મો ક્રમાંક મેળવ્યો છે. ઇંગ્લેન્ડનો જેસન રોય ૧૯ સ્થાનના ફાયદા સાથે ૧૫મા ક્રમે, જોસ બટલર નવ સ્થાનની છલાંગ લગાવી ૧૭મા સ્થાને પહોંચ્યો છે. ત્રિકોણીય સિરીઝમાં ૨૧૨ રન બનાવનાર ઝિમ્બાબ્વેના સોલોમાન મિરેએ સૌથી મોટી છલાંગ લગાવી છે. તેણે ૨૦૨ સ્થાનના ફાયદા સાથે ૨૫મો ક્રમાંક મેળવ્યો છે.
બોલિંગમાં અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાને નંબર વન અને પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાને બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રયુ ટાય ૪૧ સ્થાનની છલાંગ લગાવી સાતમા ક્રમે પહોંચ્યો છે. ભારતી બોલરોમાં હાર્દિક પંડયા પાંચ સ્થાનના ફાયદા સાથે ૨૯મા ક્રમે જ્યારે કુલદીપ યાદવ ૪૧ સ્થાનની છલાંગ લગાવી ૩૪મા ક્રમે પહોંચ્યો છે.