ટી૨૦ વર્લ્ડ કપ: ૨૦૨૧માં ભારતમાં જ રમાશે, ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયા યજમાન

Saturday 22nd August 2020 06:49 EDT
 
 

દુબઇ: આઇસીસીની મેજર ઇવેન્ટ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના યજમાન નક્કી થઇ ગયા છે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૧માં ભારતમાં રમાશે જ્યારે ૨૦૨૨માં યોજાનારી આ ટૂર્નામેન્ટની ઓસ્ટ્રેલિયા યજમાની કરશે. આ મામલે તાજેતરમાં દુબઇ ખાતે યોજાયેલી આઇસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઇ અને ઓસ્ટ્રેલિયન બોર્ડે નિર્ણય લીધો હતો. આ નિર્ણય અનુસાર ભારત ૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપની અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આઇસીસીએ ન્યૂઝીલેન્ડ ખાતે આગામી વર્ષની શરૂઆતમાં રમાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપને રદ કરી નાખ્યો હતો. હવે આ ટૂર્નામેન્ટ ૨૦૨૨ની છઠ્ઠી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી ન્યૂઝીલેન્ડ ખાતે જ રમાશે. ભારત ખાતે આગામી વર્ષે રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ ૧૪મી નવેમ્બરે રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા ખાતેનો વર્લ્ડ કપ પણ ૨૦૨૨ના ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે, પરંતુ તેની ફાઇનલ ૧૩મી નવેમ્બરે રમાશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ૧૮મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા ખાતે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો હતો પરંતુ કોવિડ મહામારીના કારણે તેને સ્થગિત કરાયો હતો. આ પછી બીસીસીઆઇએ આઇપીએલ યુએઇમાં રમાડવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter