કોલકતાઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચમાં ૧૭ રને વિજય સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ ભારતે ૩-૦થી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત તરફથી અવેશ ખાને ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. મેચમાં રોહિતે ઓપનિંગ કરવાને બદલે ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને જવાબદારી સોંપી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને વેન્કટેશ અય્યરે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમારે ૩૧ બોલમાં ૬૫ રન કર્યા હતા. વેન્કટેશે ૧૯ બોલમાં ૩૫ રન કર્યા હતા. બંનેએ ભેગા મળીને છઠ્ઠી વિકેટ માટે ૯૧ રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી આ ઉપરાંત ઈશાન કિશને ૩૪ અને શ્રેયસ અય્યરે ૨૫ રનની ઈનિંગ્સ રમી હતી. રોહિત શર્મા માત્ર ૭ રન જ બનાવી શક્યો હતો. ભારતીય બોલર્સે કેરેબિયન બેટર્સને નિયંત્રણમાં રાખ્યા હતા. હર્ષલ પંચાલે ૩ જ્યારે વેન્કટેશ, શાર્દુલ તથા દીપક ચાહરે ૨-૨ વિકેટ લીધી હતી.
ભારતના ૧૮૫ રનના લક્ષ્યના જવાબમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૭ રન જ કરી શકી હતી. ભારતના હર્ષલ પટેલે ૩ અને વેન્કટેશ, શાર્દુલ તથા દીપક ચાહરે ૨-૨ વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ ૬૧ રન બનાવ્યા હતા.
છ વર્ષ બાદ ભારત ટોચ પર
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦થી વિજય હાંસલ કરીને ભારત આઈસીસી મેન્સ ટી૨૦ ટીમ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી ગયું છે.
ભારતે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રવિવારે ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં કેરેબિયન ટીમને ૧૭ રનથી હરાવીને પ્રવાસી ટીમનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. આ શાનદાર પ્રદર્શન વડે ભારતે ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડને ટોચના સ્થાનેથી હટાવીને પાછળ ધકેલી દીધું હતું. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના સમાન ૨૬૯ રેટિંગ પોઇન્ટ છે. ભારત અને ઇંગ્લેન્ડ બંનના ૩૯ મેચમાં ૨૬૯ રેટિંગ છે. પરંતુ ભારતના ૧૦,૪૮૪ પોઇન્ટ છે જે ઇંગ્લેન્ડ કરતાં ૧૦ વધારે છે.