ટી૨૦ સીરિઝમાં કિવીઝને ક્લિન સ્વિપ કરતી ટીમ ઇંડિયા

Monday 22nd November 2021 10:42 EST
 
 

કોલકાતાઃ ભારતીય ટીમે ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં કિવી ટીમને ૭૩ રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સતત ત્રીજી જીત સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને ક્લિન સ્વિપ કર્યું હોય. ૨૦૧૨માં બંને વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમાઈ હતી ત્યારે ભારતે ૨ મેચની સીરિઝ ૧-૦ થી જીતી હતી. ૨૦૧૭માં કોહલીની કેપ્ટન્સીમાં ટીમે ૨-૧થી સીરિઝ જીતી હતી. હવે રોહિત શર્માએ કિવી ટીમને ૩-૦ થી હરાવી પ્રથમવાર ક્લિન સ્વિપ કરવાની સિદ્ધી મેળવી છે.
ભારતે ટોસ જીતીને ૭ વિકેટના ભોગે ૧૮૪ રન કર્યા હતા, જેની સામે કિવી ટીમ માત્ર ૧૧૧ રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી. માર્ટિન ગુપ્ટિલ (૫૧)ને બાદ કરતા એક પણ કિવી ખેલાડી પિચ પર ટકી શક્યો નહોતો. અક્ષર પટેલે ત્રણ અને હર્ષલ પટેલે બે વિકેટ ઝડપીને ભારતને વિજય પંથે દોરી ગયા હતા.
ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે ૬.૨ ઓવરમાં ૬૯ રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. ૨૯ રને કિશન આઉટ થયો હતો. તે પછી ભારતીય ટીમે સમાંયતરે વિકેટ ગુમાવી પરંતુ રન થતા રહ્યાં.
આ દરમિયાન કેપ્ટન રોહિતે સતત બીજી અડધી સદી ફટકારી હતી. તે ૫૬ રને સોઢીની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ઈન્ટરનેશનલ ટી-૨૦ માં ૩૦મી વખત ૫૦થી વધુ રનનો સ્કોર કર્યો (૪ સદી સહિત) હતો. આ મામલે તેણે વિરાટ કોહલીને પાછળ રાખ્યો હતો.
અંતિમ ઓવરોમાં દીપક ચાહરે આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. તેણે ૮ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી અણનમ ૨૧ રન કર્યા હતા. સેન્ટનરે ૨૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
ભારતે આ મેચમાં ૨ ફેરફાર કર્યા હતા. રાહુલ અને અશ્વિનને આરામ આપી ઈશાન અને ચહલને તક આપવામા આવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે સાઉથીના સ્થાને ફર્ગ્યુસનને ટીમમાં તક આપી હતી. જ્યારે સેન્ટનર ટીમનો કેપ્ટન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter