ભારતીય ટીમે કોહલીના ૬૬ તથા ધોનીના અણનમ ૨૭ રનની મદદથી ટાર્ગેટ ચેઝ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડે ડેથ ઓવર્સમાં મેદાન મારીને મેચ જીતી લીધી હતી. બીજી તરફ, ઇંગ્લેન્ડના બેટિંગ દરમિયાન ડેથ ઓવર્સમાં મોર્ગને ભારતીય બોલર્સને ચોમેર ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે છેલ્લી પાંચ ઓવર્સમાં ૮૧ રન કર્યા હતા. આ ઉપરાંત એલેકસ હાલેસે ૨૫ બોલમાં ૪૦, જોઇ રુટે ૨૬ અને રવિ બોપારાએ ૧૪ બોલમાં અણનમ ૨૧ રન કર્યા હતા. મેચમાં ટી૨૦ કેપ મેળવનાર જેસન રોય (૮) તથા હાલેસે પ્રથમ ઓવરમાં ૧૭ રન ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. મોર્ગને ૨૬ બોલમાં પાંચ સિકસર વડે અડધી સદી નોંધાવી હતી.
‘હાર માટે હું જવાબદાર'
ભારતીય કેપ્ટન ધોનીએ ઇંગ્લેન્ડ સામે ટી૨૦માં પરાજયની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે તે અંતિમ ઓવરમાં મેચ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ૧૮૧ રનનાં લક્ષ્યાંક સામે ભારત તરફથી કોહલીએ અર્ધ સદી ફટકારી હોવા છતાં ભારત ૧૭૭ રન જ કરી શક્યું હતું. ધોનીએ કહ્યું હતું, ‘છ બોલમાં ૧૭ રન કરવા મુશ્કેલ હોય છે. અંતિમ ઓવરમાં શોટ મારવા માટેની બે તક મે ગુમાવી હતી.'
પ્રથમ સ્થાન ગુમાવ્યું
એકમાત્ર ટી૨૦માં પરાજયથી ભારતે ટી૨૦ના આઇસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું છે. ભારત હવે બીજા સ્થાને ધકેલાયું છે. ૧૩૧ પોઈન્ટ સાથે શ્રીલંકાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ભારતને ૪ પોઇન્ટનું નુકસાન થતાં તેના ૧૨૬ પોઈન્ટ થયા હતાં. રેન્કિંગમાં પાકિસ્તાન ૧૨૩ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.