લંડનઃ જર્મનીના લેજન્ડરી ટેનિસસ્ટાર બોરિસ બેકરને દેશની કુખ્યાત અને જીર્ણશીર્ણ થયેલી વોન્ડસવર્થ જેલમાં ધકેલાયો છે. વૈભવી જીવનશૈલીથી ટેવાયેલા બેકરે હવે જેલની પડકારજનક જિંદગી જીવવી પડશે. બેકરને ત્રણ-ચાર દિવસ નવા આવનારા કેદીઓ માટેની વ્યવસ્થાના ભાગરૂપે અલગ રાખવામાં આવશે, આ પછી તેને છ બાય બાર ફૂટના ક્રોંક્રિટ ફ્લોરવાળી કોટડીમાં રખાશે. બેકરને નાદારી નોંધાવતી વેળા મિલકતો છુપાવવા બદલ અઢી વર્ષની જેલની સજા ફટકારાઇ છે.
કેસ શું છે?
ત્રણ વખત વિમ્બલ્ડન જીતી ચૂકેલો 54 વર્ષનો બેકરને પાંચ કરોડ પાઉન્ડનું દેવું ચુકવી શકે તેમ ન હોવાથી જૂન-૨૦૧૭માં નાદાર જાહેર કરાયો હતો. જોકે, નાદાર જાહેર થયા બાદ બેકરે તેના બિઝનેસ એકાઉન્ટમાંથી પૂર્વ પત્ની બાર્બરા બેકર અને હાલ અલગ રહેતી પત્ની શર્લે લીલી બેકર સહિત અન્યોના એકાઉન્ટમાં ૩.૯૦ લાખ પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેણે તેની અન્ય સંપત્તિ પણ છુપાવી હતી. તેણે બે વિમ્બલ્ડન ટ્રોફી અને ઓલિમ્પિક મેડલ પણ નાદાર થયો ત્યારે છુપાવી રાખ્યા હતા. આ પછી તેના પર નાદારી કેસ દરમિયાન સંપત્તિ છુપાવવાનો આરોપ મૂકાયો હતો. આ કેસમાં લંડન કોર્ટે તેને અઢી વર્ષ જેલની સજા ફટકારી હતી. જોકે તેમાંથી તેણે અડધી સજા જ ભોગવવાની રહેશે. બેકરને જે મામલે દોષિત ઠેરવાયો છે તેમાં તેને સાત વર્ષની જેલ સજા થઈ શકે તેમ હતી. જોકે લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટના જજ ડેબોરાહ ટેલરે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેકરને અઢી વર્ષની સજા ફટકારી હતી.
170 વર્ષ જૂની જેલઃ સફાઇ કે રસોઇનું કામ સોંપાશે
આશરે 170 વર્ષ જૂની આ જેલમાં ક્ષમતા કરતાં પણ આશરે 1300 વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. જેમાં હુમલાખોરો, ડ્રગ્સ એડિક્ટ્સ અને માનસિક બીમાર વ્યક્તિઓ પણ સજા કાપી રહ્યા છે. આ જેલમાં ઉંદરોનો સૌથી વધુ ત્રાસ છે. બ્રિટનની જેલ અંગેના એક રિપોર્ટ અનુસાર, આ જેલમાં દરરોજ સરેરાશ એક વ્યક્તિ પર હુમલો થાય છે. સિક્યુરિટી ફોર્સે દિવસમાં સરેરાશ ચાર વખત કેદીઓ પર નિયંત્રણ રાખવા માટે બળપ્રયોગ કરવો પડે છે. જેલના સૂત્રો જણાવે છે કે મોટા ભાગના કેદીઓને તેમની કોટડીમાં બંધ રખાય છે. જ્યારે હુમલાખોર વૃત્તિના ન હોય અને સામાન્ય ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓને સફાઈનું કે પછી રસોડાનું કામ આપવામાં આવે છે. આમ બોરિસ બેકરે પણ આ કામ કરવું પડશે.
વિમ્બલ્ડન સેન્ટર કોર્ટથી બે માઇલના અંતરે જેલ
બેકર ત્રણ વખત વિખ્યાત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ જીતી ચૂક્યો છે. 1985માં તેણે સૌપ્રથમ વખત વિમ્બલ્ડન જીતી ત્યારે તે માત્ર 17 વર્ષનો હતો. હાલમાં તેને જે જેલમાં રાખવામાં આવ્યો છે, તે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટથી બે માઈલ કરતાં પણ ઓછા અંતરે આવેલી છે. કેદીઓને સવારે 7-30 વાગ્યા સુધીમાં નહાઇ લેવાનું હોય છે, જે પછી 24 કલાક રાહ જોવી પડે છે.
મનોબળ મક્કમ રાખવા પુત્રીની સલાહ
આર્થિક જાણકારી છુપાવવા બદલ જેલની સજા પામેલા બોરિસ બેકરને મનોબળ મક્કમ રાખવા પુત્રીએ સલાહ આપી છે. પુત્રી એન્ના ઈરમાકોવાએ પિતા બોરિસને એક ભાવનાસભર મેસેજ આપતાં તેમનો જુસ્સો જાળવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બેકરને રશિયન મોડેલ સાથે સંબંધો હતા અને તેમના ફળસ્વરૂપ એનાનો જન્મ થયો છે.