ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચની ૭૦૦ વિજયની સિદ્ધિ

Friday 26th February 2016 03:46 EST
 
 

દુબઈઃ ટેનિસ જગતમાં ટોપ સિડેડ સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે કારકિર્દીનો ૭૦૦મો વિજય હાંસલ કરીને દુબઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૨૮ વર્ષીય જોકોવિચે ટ્યુનિશિયાના મલેક જાજિરીને ૬૫ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૧, ૬-૨થી હરાવ્યો હતો. જોકોવિચ ૭૦૦ વિજય સાથે સર્વાધિક મેચ જીતનાર ખેલાડીઓની ઓલટાઇમ યાદીમાં ૧૨મા ક્રમે પહોંચ્યો છે. યાદીમાં અમેરિકાનો જિમી કોનર્સ સર્વાધિક ૧૨૫૪ વિજય સાથે ટોચના ક્રમે છે. જોકોવિચને તેની આ સિદ્ધિના પ્રસંગે કેક અને સ્મૃતિચિહન આપવામાં આવ્યા હતા. તેમજ આયોજકો ટ્વીટર પર ‘હેશટેગ ૭૦૦’થી પેજ પણ બનાવ્યું હતું.
આ અનોખી સિદ્ધિ હાંસલ કરવાના મામલે જોકોવિચ વર્તમાન ટેનિસ ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે. તેની આગળ સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર (૧૦૬૭) અને સ્પેનનો રફેલ નાદાલ (૭૭૫) છે. કારકિર્દીમાં ૧૧ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા નોવાક જોકોવિચની આ સિદ્ધિને દર્શકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.
૭૦૦મો વિજય મેળવ્યા બાદ નોવાક જોકોવિચે જણાવ્યું હતું કે મેં ૧૦ વર્ષ પહેલા પ્રોફેશનલ ટેનિસની શરૂઆત કરી હતી. હું દિલથી આ રમતને પ્રેમ કરું છું અને તેનો આનંદ માણી રહ્યો છું. હું મારી જાત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું. પ્રત્યેક દિવસે હું મારી જાતને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter