રાજકોટ: ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1થી લીડ મેળવી છે. ભારતનો ટેસ્ટક્રિકેટમાં આ સૌથી મોટો વિજય છે. જ્યારે ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો પરાજય છે.
રાજકોટમાં રમાયેલી મેચની પહેલી ઈનિંગમાં ભારતે 445 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 319 રન કર્યા હતા. 126 રનની લીડ મળ્યા બાદ ભારતે બીજી ઈનિંગમાં 430 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આમ બેન સ્ટોક્સની ટીમને જીત માટે 550 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમ પોતાની બીજા ઇનિંગમાં પિંગમાં 122 રનમાં જ પેવેલિયન ભેગી થઈ જતા તેનો કારમો પરાજય થયો હતો.
ટીમ ઇંડિયાનો વિક્રમજનક વિજય
રાજકોટમાં મળેલી જીત ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમને હજુ સુધીમાં મળેલી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતને ન્યૂઝીલેન્ડને 2021માં હાર આપીને પોતાની સૌથી મોટી જીત મેળવી હતી. તે વખતે ભારતે 372 રનથી જીત મેળવી હતી. જ્યારે 2015માં ભારતે સાઉથ આફ્રિકા સામે 370 રનથી જીત મેળવી હતી. 2016માં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 321 રનથી હરાવ્યું હતું. તે ઉપરાંત 2008માં ભારતે મોહાલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 320 રનના માર્જિનથી જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડની બીજી
સૌથી મોટી હાર
રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમનો 434 રને પરાજય એ ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો પરાજય હાર છે. 1934માં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 562 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડને મળેલી હાર તેની હજુ સુધીની સૌથી મોટી હાર હતી. ઈંગ્લેન્ડને ત્રીજી સૌથી મોટી હાર વેસ્ટ ઇન્ડિઝે આપી હતી. 1976માં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ટીમ 425 રનથી પરાજય આપ્યો હતો. 1948માં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 409 રનથી હરાવ્યું હતું જ્યારે 2015માં ઓસ્ટ્રેલિયાએ તેને ફરી 405 રનના માર્જિનથી કારમી હાર આપી હતી. ઇંગ્લેન્ડની આ પાંચમી મોટી હાર હતી.
રવીન્દ્ર જાડેજાનું શાનદાર યોગદાન
ભારતના વિજયમાં યશસ્વીની યાદગાર બેવડી સદી ઉપરાંત રવીન્દ્ર જાડેજાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેણે ટેસ્ટ કરિયરમાં બીજી વાર એક મેચમાં સદી અને 5 વિકેટની સિદ્ધિ મેળવી છે. જાડેજાએ મેચમાં 112 રનની ઈનિંગ્સ રમવાની સાથે બીજી ઈનિંગ્સમાં 41 રનમાં 5 વિકેટ લીધી હતી. આ અગાઉ જાડેજાએ 2022માં પણ શ્રીલંકા સામે મોહાલીમાં એક મેચમાં અણનમ 175 રનની ઈનિંગ્સ રમ્યા બાદ 41 રનમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ અગાઉ ભારતના વિનુ માંકડ (1952), પોલી ઉમરીગર (1962), રવીચંદ્રન અશ્વિન (2011, 2016 અને 2021)એ આ સિદ્ધિ મેળવી હતી.