નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી. યશસ્વીએ 290 બોલમાં 19 બાઉન્ડ્રી અને 7 સિક્સરના જોરે 209 રનની ઇનિંગ રમી હતી. યશસ્વીએ ડબલ સેન્ચુરી ફટકારવાની સાથે જ રેકોર્ડ્સની વણઝાર લગાવી દીધી હતી. આ બેવડી સદી સાથે યશસ્વી ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 22 વર્ષ 37 દિવસની વયે આ પરાક્રમ કર્યુ છે.
આ યાદીમાં પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી (21 વર્ષ 35 દિવસ) સાથે ટોપ પર છે. કાંબલીએ 1993માં ઇંગ્લેન્ડ સામે 224 રનની ઇનિંગ રમી હતી. અને 1993માં જ તેણે ઝિમ્બાબ્વે સામે 227 રન કર્યા હતા. ત્યારે તેની વય 21 વર્ષ 55 દિવસની હતી. કાંબલી બાદ બીજા નંબરે પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કર 921 વર્ષ 283 દિવસ) નો ક્રમ છે, તેમણે 1971માં વિન્ડીઝ સામે 229 રનની ઇનિંગ રમી હતી. જાયસ્વાલ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ડાબોડી બેટ્સમેન છે.
10મી ઇનિંગમાં બેવડી સદી
યશસ્વીએ જુલાઈ 2023માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં પહેલી બેવડી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેણે 10મી ઇનિંગમાં આમ કર્યું છે. આ યાદીમાં કરુણ નાયર ટોચ પર છે જેણે માત્ર ત્રણ ઇનિંગમાં જ બેવડી સદી મારી હતી. તેના પછી વિનોદ કાંબલી 94), ગાવસ્કર (8), મયંક અગ્રવાલ (8) અને ચેતેશ્વર પૂજારાનો નંબર છે. જ્યારે યશસ્વી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી મારનારો પાંચમો ભારતીય છે.