કોલંબોઃ શ્રીલંકાના મીડિયમ પેસર નુવાન કુલાસેકરાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કુલાસેકરાએ કહ્યું કે, મેં ઘણું વિચાર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે. મારા આ નિર્ણયથી વન-ડે અને ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં સારી તૈયારી કરી શકીશ. હું દેશ તરફથી વન-ડે અને ટ્વેન્ટી૨૦ ક્રિકેટ રમતો રહીશ.
પહેલી જૂને નિવૃત્તિ જાહેર કરનાર ૩૩ વર્ષીય કુલાસેકરાએ વર્ષ ૨૦૦૫માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ૧૧ વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં તે માત્ર ૨૧ ટેસ્ટ મેચ જ રમી શક્યો હતો. જેમાં તેણે ૪૮ વિકેટ ઝડપી હતી. ૫૮ રનમાં આઠ વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સિદ્ધિ તેણે પાકિસ્તાન સામે મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૬૪ રન છે, જે તેણે ઇંગ્લેડ સામે નોંધાવ્યા હતા. તેણે અંતિમ ટેસ્ટ મેચ જૂન ૨૦૧૪માં લોર્ડ્સમાં રમી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં કુલાસેકરા વન-ડે ક્રિકેટમાં નંબર વન બોલર બન્યો હતો.