કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકા સામેની ૩ ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થતાં છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇ સાથે શિંગડા ભેરવી રહેલા કપ્તાન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કપ્તાનીને અલવિદા કરી દેતાં ભારતીય ક્રિકેટમાં કોહલી યુગનો અંત આવી ગયો છે. ચાર મહિનાના ટૂંકાગાળામાં કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી છે. કોહલીના યુગના અંતની શરૂઆત યુએઇમાં ટી-20 વર્લ્ડકપમાં ભારતના કંગાળ દેખાવ બાદ થઇ હતી. ત્યારબાદના વિવાદોએ કોહલીને ટી-20 અને વન-ડે ટીમની કેપ્ટનશિપ છોડવાની ફરજ પડી અને હવે તેની પાસેથી ટેસ્ટ ટીમની કપ્તાની પણ છીનવી લેવાઇ છે. બીસીસીઆઇમાં ચાલતા ઘમસાણ વચ્ચે ભારતના પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ કોહલીના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની
• ૨૦૧૪માં ધોનીની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમની કપ્તાની
• ૬૮ કુલ ટેસ્ટમાં કોહલીએ સુકાનીપદ સંભાળ્યું
• ૪૦ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય
• ૧૧ ટેસ્ટ મેચ ડ્રો રહી
• ૧૭ ટેસ્ટમાં કોહલીની ટીમનો પરાજય
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની વિરાટ સિદ્ધીઓ
• એક કેલેન્ડર વર્ષમાં વિદેશની ભૂમિ પર ચાર ટેસ્ટ જીતવાની સિદ્ધી બે વાર હાંસલ કરનારો ભારતનો પ્રથમ કપ્તાન • દક્ષિણ આફ્રિકા સામે સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનારો પ્રથમ એશિયન કપ્તાન • દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ જીતનાર એશિયન કપ્તાન • બે બોક્સિંગ ડે ટેસ્ટ જીતનારો સૌપ્રથમ એશિયન કપ્તાન • ૪૦થી વધુ ટેસ્ટમેચ જીતનારો વિશ્વનો ચોથો કપ્તાન • કોહલીની કપ્તાનીમાં સતત ૪૨ મહિના ટીમ ઇન્ડિયા વિશ્વમાં નંબર વન રહી • ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલી ટેસ્ટ સીરિઝ જીતનારો ભારતીય કપ્તાન • આઇસીસી ટીમ ઓફ ધ યર કપ્તાનનો ખિતાબ 3 વાર મેળવનાર વિશ્વનો એકમાત્ર કપ્તાન
સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારા કપ્તાન
• ૫૪ – ગ્રીમ સ્મિથ – દ. આફ્રિકા
• ૪૮ – રિકી પોન્ટિંગ – ઓસ્ટ્રેલિયા
• ૪૧ – સ્ટીવ વો – ઓસ્ટ્રેલિયા
• ૪૦ – વિરાટ કોહલી – ભારત
ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીની બેટિંગ
• ૬૮ કુલ ટેસ્ટમેચ • ૧૧૩ ઇનિંગમાં બેટિંગ • ૫૮૬૪ કુલ રન • ૫૪.૮૦ રનની સરેરાશ • ૧૮ અર્ધશતક • ૨૦ શતક
ટેસ્ટ સુકાની તરીકેના વિરાટ કોહલીના સંભારણા
• મે સાત વર્ષ સુધી ભારતીય ટીમને સાચી દિશામાં લઈ જવા પ્રમાણિકતાથી આકરી મહેનત કરી પરંતુ મારા માટે હવે ટેસ્ટ સુકાનીપદ છોડવાનો યોગ્ય સમય છે.
• સફરમાં શાનદાર પળો અને ખરાબ સમયનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ મેં મારા પ્રયાસો તથા ટીમ ઉપર વિશ્વાસ કરવાનું ક્યારેય છોડ્યું નહોતું.
કોહલીની નિવૃત્તિ અંગે શું કહે છે દિગ્ગજો?
• કોહલી કોઇપણ રીતે કેપ્ટન્સી ટકાવી રાખવામાં પ્રયાસ કરે છે, જ્યારે કેપ્ટન્સી સામે જોખમ દેખાય તો પદ છોડી દે છે. - સંજય માંજરેકર
• વિરાટ કોહલીના નેતૃત્ત્વમાં ભારતીય ક્રિકેટે રમતના તમામ ફોર્મેટમાં
ઝડપી વિકાસ કર્યો. તેનો નિર્ણય વ્યક્તિગત છે અને બીસીસીઆઈ તેનું સન્માન કરે છે. તે આ ટીમને ભવિષ્યમાં વધુ ઊંચાઈએ લઈ જવા માટે ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય રહેશે. તે એક મહાન ખેલાડી છે. – સૌરવ ગાંગુલી
• વિરાટ તું તારું માથું ગૌરવથી ઊઠાવીને વિદાય લઈ રહ્યો છે. કેપ્ટન તરીકે તારા જેવી સિદ્ધિ જૂજ કેપ્ટન્સ મેળવી શક્યા છે. તું ભારતનો સૌથી આક્રમક અને સફળ કેપ્ટન છે – રવિ શાસ્ત્રી
• હું તેના નિર્ણયથી ચોંક્યો હતો, પરંતુ એક કેપ્ટન તરીકે તેના ટેસ્ટ કરિયર માટે અભિનંદન. ભવિષ્ય માટે શુભકામનાઓ.– રોહિત શર્મા
• ભારતીય ટીમના કેપ્ટન તરીકે તારી ચોંકાવનારી સફર બદલ અભિનંદન. તારી સિદ્ધિઓ તને ગર્વ અપાવે તેવી છે. વિશ્વ ક્રિકેટના કેપ્ટન્સની હરોળમાં તારું નામ વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ કેપ્ટન્સીની હરોળમાં રહેશે –વિવિયન રિચર્ડ્સ