નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ ન યોજાય.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને આઈસીસી ફ્યુચર ટુર્સ એન્ડ ઈવેન્ટ્સની બેઠકમાં એક વાતની સ્પષ્ટતા કરવામાં આવશે કે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન જે છ દેશો સામે રમવાની છે તેમાંથી પાકિસ્તાનને બાકાત રાખવામાં આવે. એટલે કે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચમાં ભાગ નહીં લે. આ બે દિવસીય બેઠક સાત ડિસેમ્બરના રોજ સિંગાપુરમાં યોજાવાની છે. પાકિસ્તાન દ્વારા સીમા પારથી આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે. જેના કારણે ભારતીય ટીમ વર્ષ ૨૦૦૭-૦૮ બાદ પાકિસ્તાન સાથે ટેસ્ટ સિરીઝ રમી નથી.
આ બેઠકમાં પાકિસ્તાન સામેની શ્રેણીમાં ભાગ ન લેવા ઉપરાંત બીસીસીઆઈ શ્રેણીના આયોજન અંગે પણ ચર્ચા કરશે. વર્ષ ૨૦૧૯માં જે કાર્યક્રમની શરૂઆત માટે પરવાનગી અપાઈ છે તે અનુસાર ટોચની નવ ટેસ્ટ ટીમો બે વર્ષના સમયગાળામાં ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત છ શ્રેણીમાં ભાગ લેશે. આ દરમિયાન બંને ટીમો ત્રણ શ્રેણી હોમ ગ્રાઉન્ડ પર અને ત્રણ શ્રેણી અન્ય ગ્રાઉન્ડ પર રમશે.