ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે, જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. રમતોત્સવના આયોજનમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા ૧૦ હજાર વોલન્ટિયર્સે હવે તેમને ફાળવાયેલી જવાબદારી નિભાવવાની ના પાડી દીધી છે. આયોજકોએ કહ્યું કે, તેમની પીછેહઠનું મોટું કારણ કોરોનાનો ડર છે. સાથે જ ગેમ્સના આયોજનમાં શંકાને કારણે પણ પોતાના ભવિષ્ય પર જોખમ દેખાતાં વોલન્ટિયર્સ નીકળી ગયા છે.
ટોક્યો ઓલિમ્પિક્સ માટે ૮૦ હજાર વોલન્ટિયર્સ તૈનાત કરાયા હતા. આ સંજોગોમાં તેમનું મોટી સંખ્યામાં ખસી જવાનું આયોજકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે. કેમ કે, ઈવેન્ટના આયોજન, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટેશન, મીડિયા બ્રીફિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેમાં વોલન્ટિયર્સ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.
એક જાપાનીઝ બ્રોડકાસ્ટરના અનુસાર જેમ જેમ ગેમ્સ વધુ નજીક આવશે, તેમ તેમ રમતોત્સવ સાથે છેડો ફાડનારા વોલન્ટિયર્સનો આંકડો વધી શકે છે. જોકે, ટોક્યો-૨૦૨૦ના ચીફ સેઈકો હાશિમોતોનો દાવો છે કે વોલન્ટિયર્સના નીકળી જવાથી ગેમ્સના આયોજન પર ખાસ કોઈ અસર થશે નહીં. ઓલિમ્પિક્સ ત્યારે જ રદ્દ કરાશે જ્યારે સ્થિતિ ભયાનક હશે અને મોટા ભાગના દેશોનું જાપાન આગમન શક્ય નહીં હોય. તાજેતરના સર્વે અનુસાર જાપાનના ૮૦ ટકા લોકો ગેમ્સના વિરોધમાં છે.
ટોક્યો ૨૦૨૦ના અધ્યક્ષ હાશિમોતોએ કહ્યું કે, ગેમ્સનું આયોજન સો ટકા થશે. જોકે, કોવિડના કારણે રમતોત્સવ દર્શકો વગર યોજાઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘ગેમ્સ તો યોજાશે જ. સવાલ તેને વધુ સુરક્ષિત બનાવવાનો છે. મોટા ભાગના ખેલાડીને ઓલિમ્પિકમાં રમવાની તક જીવનમાં માત્ર એક વખત મળતી હોય છે. અમે બાયો-બબલ બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરીશું’. આ દરમિયાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે કતર અને રવાન્ડામાં સ્પેશિયલ વેક્સિનેશન હબ બનાવી રહી છે. જે ખેલાડી પોતાના દેશમાં વેક્સિન લઈ શકતા નથી તે અહીં લગાવી શકશે.