નવી દિલ્હી: ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધાની ફાઈનલમાં ત્રીજા સ્થાને રહીને પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની આ ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ તેને ફોન કરીને વધામણી પાઠવી હતી ત્યારે મનુ ભાકરે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને જીત માટે વધામણી આપી હતી. વડાપ્રધાને સાથે જ ટોક્યો ઓલિમ્પિકનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં રાઇફલમાં ખરાબી આવવાને કારણે મનુ ભાકરે નિરાશ થવું પડયું હતું. વડાપ્રધાને મનુને ફોન પર વધામણી આપતા કહ્યું હતું કે 0.1 સેકન્ડથી તમે સિલ્વર મેડલ ચુક્યા છે, પરંતુ તેમ છતાં તમે તમારા દેશનું નામ રોશન કર્યુ છે. તમને બે પ્રકારે ક્રેડિટ મળી રહી છે. એક તો બ્રોન્ઝ મેડલ મળ્યો અને બીજુ તમે પહેલા મહિલા છો જેઓ શૂટિંગમાં મેડલ જીત્યા છે. મારા તરફથી ખુબ-ખુબ વધામણી.